બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય

- તાલુકા મથકમાં જ સફાઈનો અભાવ
- બસ સ્ટેન્ડ, આણંદ ચોકડી સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો છતાં તંત્રના આંખ આડા કાન
તાલુકા મથક બોરસદ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણોના કારણે જાહેર માર્ગો સાંકડા બની રહ્યા છે. દિન પ્રતિદિન દબાણોમાં વધવાના કારણએ ટ્રાફિકની પણ સમસ્યા જટીલ બની છે.
શહેરના બસ સ્ટેન્ડ, આણંદ ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો મામલે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિક લોકો ઠાલવી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે તંત્ર દ્વારા શહેરના ગાંધીગંજ વિસ્તાર નજીક દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે અન્ય વિસ્તારોમાં ખડકાયેલા દબાણ પ્રત્યે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે શહેરના વિવિધ રાજમાર્ગોની આસપાસ આવેલી ફૂટપાથો ઉપર પણ સફાઈના અભાવે જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાતા રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈના અભાવે કેટલાક સ્થળોએ ફૂટપાથો ઢંકાઈ જતા રાહદારીઓને જાહેર માર્ગ પરથી પસાર થવું પડે છે. જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. તંત્ર દ્વારા સત્વરે આળસ ખંખેરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

