- ભોગાવો નદીની સફાઇ કરી છતાં વેલથી તંત્રની કામગીરી સામે સવાલો
- નદીમાંથી જળકુંભી વેલ હટાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર વચ્ચેથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં ગંદકી અને કચરા બાદ હવે જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે. તંત્ર દ્વારા ભોગાવો નદીમાં સફાઈ અભિયાન છતાં જળકુંભી જામતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની મધ્યમાંથી ભોગાવો નદી પસાર થાય છે. ભોગાવો નદી ગુજરાતની પૌરાણિક નદીઓમાં સ્થાન ધરાવે છે. પરંતુ નદીની જાળવણીના અભાવે હાલ ભોગાવો નદી દૂષિત બની ગઈ છે. એક તરફ નદીમાં ચારે બાજુ ગંદકી, કચરા, જંગલી ઘાસ અને બાવળો જોવા મળી રહ્યાં છે. બીજી તરફ નદીમાં જળકુંભી વેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. અગાઉ તંત્ર દ્વારા ભોગાવો નદીનું સફાઈ અભિયાન શરૂ કર્યું હતુંં.
ભોગાવો નદીની દુર્દશાને લઈને નદીની આસપાસ વસતા લોકોને પણ પારાવાર હાલાકી ભોગવવી પડે છે પરતું તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. લોકોની મુશ્કેલીને ધ્યાને લઈ તંત્ર દ્વારા તાત્કાલિક જો નદીની સફાઈ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ જળકુંભી વેલનું સામ્રાજ્યથી મરછરો અને જીવજંતુનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. તેમ છતા પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.


