Gujarat

આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો

By GS TEAM
19 Dec 20252 mins read
આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો

એનઓસી વગર ચાલતી જલપરી આનંદ મેળાને બંધ કરાવ્યા બાદ 

સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી મેળાના આયોજકો દેખાડો કરતા હોય તેવી સ્થિતિ 

આણંદ: કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલા એક પ્લોટ ખાતે એનઓસી વિના ચાલતા જલપરી આનંદ મેળાના આયોજકોને ક્લોઝર નોટિસ આપી બંધ કરાવ્યા બાદ શહેરના આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા વૃંદાવન ગ્રાઉન્ડ નજીકના જલ પરી આનંદ મેળાના આયોજકો દ્વારા પણ અચાનક આજે આનંદ મેળો બંધ રાખવામાં આવતા સુરક્ષા સાથે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી પરવાનગીની ઘોર ઉપેક્ષા ઉજાગર થવા પામી છે. 

આણંદના પ્રાંત અધિકારી મનપાના ડેપ્યુટી કમિશનર તથા ફાયર વિભાગની ટીમોએ સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલા એક પ્લોટ ખાતે આયોજિત જલપરી આનંદ મેળાની મુલાકાત લેતા અનેક ક્ષતિઓ જોવા મળી હતી. આયોજકોએ ફાઇનલ એનઓસી મેળવી ન હોવાથી મનપા તાત્કાલિક ક્લોઝર નોટિસ પાઠવી આનંદ મેળો બંધ કરાવી દીધો હતો.  બીજી તરફ આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલું વૃંદાવન ગ્રાઉન્ડ નજીક  પણ જલપરીનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદ મેળો પણ યોજાઇ રહ્યો છે આ જલપરી તથા આનંદમેળા ખાતે સરકારી નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે પણ જાગૃતોમાં સવાલો ઊઠવા પામ્યા છે.  વૃંદાવન ગ્રાઉન્ડ નજીક આયોજિત જલ પરી મુખ્ય માર્ગથી ખૂબ જ નજીકના અંતરે રાખવામાં આવ્યું છે જેને લઇ પાકગની પણ સમસ્યા જોવા મળી રહી છે. રાજકોટના ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડમાં અનેક લોકોનો ભોગ લેવાય બાદ સરકાર સફાળી જાગી હતી અને ઇન્ડોર ગેમ ઝોન તથા જાહેર સ્થળો ઉપર યોજાતા મેળા માટે કડક નિયમો બનાવી જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આણંદમાં યોજાઇ રહેલ આનંદ મેળાના આયોજકો દ્વારા સરકારી ગાઈડલાઈનનું ધરાર ઉલ્લંઘન કરી માત્ર દેખાડા પૂરતી ફાયરની સુવિધા સાથે સુરક્ષાનો દેખાડો કરવામાં આવતો હોવાનું જાગૃતોમાં ચર્ચા રહી છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાની સુરક્ષા ને જોખમમાં મુકતા આવા આયોજકો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ છે. 

- નાની જગ્યામાં મોટી રાઇડો ગોઠવીને નિયમોનું ઉલ્લંઘન 

સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર સ્થળોએ યોજાતા આનંદ મેળામાં બે રાઈડ વચ્ચે પૂરતી જગ્યા તેમજ રાઈડોની મરામત અને તેને કંટ્રોલ કરતા કર્મચારીની લાયકાત માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે.જોકે આનંદ મેળાના આયોજકો સરકારી ગાઈડલાઈનને ઘોળીને પી ગયા હોવાનું જાણવા મળ્યું છે. વધુ કમાણી કરવાની લ્હાયમાં આયોજકો નાની જગ્યામાં મોટી મોટી રાઇડ ગોઠવી દેતા હોય છે અને કેટલીક વાર નાની જગ્યામાં ખૂબ મોટી મેદની એકત્ર થતા જોખમ વધતું હોય છે.