સરકારી નોકરી અને પેન્શન ધારકોની લારીઓ ભાગીદારીમાં : વડોદરા પાલિકામાં લારી કલ્ચરનો મુદ્દો ઉછળ્યો
Vadodara : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવતી લારીનો મુદ્દો ઉઠ્યો હતો. જે અંગે પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, લારીઓની તકલીફ હોય તો કદાચ આખા ગુજરાતમાં સૌથી વધુ તે વડોદરામાં હશે. જેટલી દિવસે નથી વધતી એટલી લારી રાત્રે વધી રહી છે. લારીઓ ચલાવનારાઓના આધાર કાર્ડ ચેક કરાવી તે પૈકી વડોદરાના કેટલા છે? તેની તપાસ થવી જોઈએ. ઘણા બહારથી આવીને વડોદરામાં આડેધડ લારીઓ ગોઠવવા માંડ્યા છે, એ બંધ થવું જોઈએ. એક જ વ્યક્તિ આઠથી દસ જેટલી લારીઓ ચલાવે છે એવા કિસ્સા પણ અમારા ધ્યાને આવ્યા છે. લારીની આગળ કેટલાક પથારા મૂકવામાં આવે છે અને તે લારીધારકો એ પથારાવાળા પાસે ભાડું લે છે આવી પ્રથા બંધ થવી જોઈએ. મારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે, જેને 30 હજાર પેન્શન આવે છે તે લોકો પણ લારી ચલાવી રહ્યા છે અને સરકારમાં નોકરી કરનારાઓ પણ ભાગીદારીમાં લારી ધરાવી રહ્યા છે. આ બધી બાબતોનો કંટ્રોલ નહીં કરીએ તો હજુ પરિસ્થિતિ બગડશે. અમે ગરીબોના વિરોધી નથી પરંતુ લારીઓને કારણે જે સમસ્યા વધી રહી છે તે અટકવી જ જોઈએ. મારા ધ્યાનમાં એવો પાણીપુરીવાળો છે જે રૂપિયા એક કરોડની દુકાન ધરાવે છે તેમ છતાં લારી બંધ કરતો નથી.
લારીઓનું કલ્ચર વડોદરામાં કોંગ્રેસને આભારી-સ્ટેન્ડિંગ ચેરમેન ડો.મિસ્ત્રી
પાલિકાની સભામાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા લારી મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરામાં લારીઓનું કલ્ચર કોંગ્રેસને આભારી છે. વર્ષ 1952થી 1990 સુધી તેઓ સત્તામાં રહ્યા તેમ છતાં તેઓએ કશું કર્યું નહીં. 1990 સુધી તમે (કોંગ્રેસે) લારીઓવાળાને કોઈ લીગલ લાઇસન્સ આપ્યા ન હતા તેથી અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી.