નડિયાદના મિશન રોડ ઉપર આવેલું સિંચાઈ વિભાગનું મકાન જર્જરિત
- પ્રવેશદ્વાર, દાદરા, પિલરોમાં તિરાડોથી જોખમ
- શોપિંગ સેન્ટરને જોખમી ગણી ડિમોલેશન કરતા તંત્રની સરકારી ઈમારતની જાળવણીમાં ઉપેક્ષા
નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર વર્ષો જૂની કચેરીઓ આવેલી છે. જેમાંથી શ્રમ આયુક્ત તેમજ સીટી સર્વે કચેરી જર્જરિત હાલતમાં ફેરવાતા તેનું સરદાર ભવનમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નડિયાદ મહાનગરપાલિકાનું મકાન કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.
આવી જ રીતે થોડા વર્ષો અગાઉ નડિયાદ રામ તલાવડી સામે મીશન રોડ પર મહી સિંચાઈ વર્તુળની ત્રણ માળની કચેરીનું મકાન બનાવવામાં આવ્યું હતું.
ત્યારે કચેરીના પ્રવેશ દ્વાર પરના સ્લેબના પોપડા ઉખડી ગયા છે. એટલું જ નહીં કાટ ખાધેલા લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે.
ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના માળે જવા માટેના દાદરામાં તિરાડો પડી ગયેલી છે. આ કચેરીની દીવાલોમાં ઠેર ઠેર તિરાડો તેમજ સ્લેબના પોપડા ઉખડી જતા ઈમારત જર્જરિત હાલતમાં ફેરવાઈ રહી છે. ત્યારે સત્તાધીશો આ ઇમારતની દેખરેખ અને જાળવણી રાખવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેથી કર્મચારીઓની સલામતી જોખમમાં મુકાઈ છે. ત્યારે સત્તાધીશો દ્વારા મહી સિંચાઈ વર્તુળની કચેરીનું વહેલી તકે સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે.