વકીલને કોર્ટમાં જતા રોકવાની ઘટના લોકશાહી માટે ખતરારૂપ
જૂનાગઢ બાર એસો. દ્વારા જવાબદારો સામે કાર્યવાહીની માંગ ભારતના ઈતિહાસમાં ક્યારેય આવો બનાવ બન્યો નથીઃ બાર કાઉન્સિલ- હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ
જૂનાગઢ, : નર્મદા જિલ્લાની મુખ્ય અદાલતમાં ગઈકાલે વકીલ ગોપાલ ઈટાલીયા તેના અસીલને મળવા માટે જતા હતા ત્યારે તેને અટકાવવાની ઘટના બની હતી, જેના જૂનાગઢના વકીલોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વકીલને કોર્ટમાં જતા અટકાવવાના બનાવને જૂનાગઢ બાર એસોસિએશને લોકશાહી માટે ખતરારૂપ ગણાવી છે અને ન્યાયતંત્રના ઈતિહાસમાં ક્યારેય આવી ઘટના બની ન હોવાથી આ બનાવ ન્યાયતંત્ર પર ઘા સમાન છે એમ કહીને હાઈકોર્ટ સુધી ફરિયાદ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે નારા લગાવ્યા હતા.
જૂનાગઢ બાર એસોસિએશનના આગેવાનોએ કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરતા સમયે વકીલ ગોપાલ ઈટાલીયાને કોર્ટમાં જતા રોકવાની ઘટનાથી ભારતના અનુચ્છેદ-૧૪ અને ર૧નો તેમજ એડવોકેટ એક્ટની જોગવાઈનો પણ ભંગ થાય છે. કોઈપણ વકીલને તેમના અસીલને મળવાનો અધિકાર છે. ફાંસીની સજા પામેલા કેદીને પણ તેમના વકીલ જેલમાં જઈને મળી શકે છે. આ માટે સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓ પણ આપ્યા છે. રાજ્ય સરકાર કે કોઈ નેતા અથવા અન્ય કોઈની સૂચનાથી વકીલને તેના અસીલ ચૈતર વસાવાને મળવા દેવામાં આવતા ન હતા. આ ઘટના ભારતના લોકશાહી માટે ખતરારૂપ છે. વકીલ કિરીટ સંઘવીએ માગણી ઉઠાવી કે આ અંગે ગુજરાત હાઈકોર્ટનું ધ્યાન દોરી આ ઘટનાની ગંભીરતા દાખવી એક ગાઈડલાઈન આપવામાં આવે કે પોલીસ કેવા સંજોગોમાં વકીલને રોકી શકે, વકીલના શું અધિકાર છે અને પોલીસના શું અધિકાર છે. એવા સવાલ પણ ઊભા કરાયા છે કે પોલીસને એવી શું મજબુરી આવી કે એક વકીલને રોકવાની ફરજ પડી ? આવું ગંભીર કૃત્ય કરનાર જવાબદાર અધિકારી તથા તેને સૂચના આપનાર સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દાખલારૂપ કામગીરી કરાવવી જોઈએ. આ અંગે હાઈકોર્ટમાં પણ લેખિતમાં રજુઆત કરાશે.