Gujarat

મંગળવારે વહેલી પરોઢે બનેલી ઘટના , શારદાબેન હોસ્પિટલમાં દર્દીનું મોત થતા સગાઓ હથિયાર સાથે પહોંચતા હોબાળો

By GS TEAM
12 Aug 20251 min read
મંગળવારે વહેલી પરોઢે બનેલી ઘટના , શારદાબેન હોસ્પિટલમાં  દર્દીનું મોત થતા સગાઓ હથિયાર સાથે પહોંચતા હોબાળો

  અમદાવાદ, મંગળવાર,12 ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરાયેલા દર્દીનુ મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો. દર્દીને મૃત જાહેર કરાયાની થોડી મિનીટો પછી મૃતકના સગાઓ લાઠી સહીતના હથિયાર સાથે હોસ્પિટલમાં પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન હોસ્પિટલમાં તૈનાત સિકયુરીટી ઉપરાંત પોલીસને બોલાવાયા પછી મામલો થાળે પડયો હતો અને મૃતકના મૃતદેહને તેમના સ્વજનો હોસ્પિટલથી લઈ રવાના થયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર,ગોમતીપુર વિસ્તારની પૂજાભાઈની ચાલીમા રહેતા સાલેહા ફિરોજભાઈ અખ્તરને શ્વાસની તકલીફ થતા મંગળવારે વહેલી પરોઢે ૨.૩૦ કલાકના સુમારે શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.જયાં ડોકટરો હાજર નહીં હોવાથી દર્દીને સારવાર મોડી મળી હોવાનો દર્દીઓના સ્વજનો દ્વારા આક્ષેપ કરાયો હતો. જયારે હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર હેતલ વોરાના કહેવા પ્રમાણે, દર્દીને ૨.૩૦ કલાકના સુમારે હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા. એ સમયે કેજયુલીટી મેડીકલ ઓફિસર દ્વારા તરત જ આઈ.સી.યુ.માં દર્દીને સારવાર માટે મોકલી અપાયા હતા. દસથી પંદર મિનીટ પ્રયાસ કરાયા પછી પણ તેમની હાર્ટબીટ કામ કરતી નહતી.અંતે દર્દીને મૃત જાહેર કરાયા હતા. આ દરમિયાન થોડી મિનીટો પછી મૃતકના સ્વજનો હથિયારો સાથે પહોંચતા સિકયોરિટી દ્વારા એરિયા કોર્ડન કરી લેવાયો હતો.પોલીસને બોલાવાયા પછી ફરિયાદ નોંધાવાની તજવીજ શરુ કરાતા પરિવારજનો મૃતદેહને લઈ હોસ્પિટલથી રવાના થયા હતા.