બિપરજોય વાવાઝોડાની અસર યથાવત, અમદાવાદ સહિત રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો
દ્વારકામાં છેલ્લા 30 કલાકમાં મુશળધાર 9 ઈંચ વરસાદ નોંધાયો
રાજકોટમાં આજી-2 ડેમ છલકાયા બાદ 4 દરવાજા ખોલવામાં આવ્યા
Image : Pixabay |
રાજ્યના દરિયાકાંઠે બે દિવસ પૂર્વે બિપરજોય વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ થયા બાદ હજુ પણ તેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગત રાત્રે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત 175 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
રાજકોટમાં આજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
રાજ્યમાં બિપરજોય વાવાઝોડા લેન્ડફોલ થયાના બે દિવસ બાદ પણ અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને રાજ્યમાં 175 તાલુકમાં વરસાદ નોંધાયો છે જેમાં માંડવીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં અને જિલ્લામાં ગત રાતથી જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત છેલ્લા 30 કલાકમાં દ્વારકામાં અનરાધાર 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટનો આજી-2 ડેમ છલકાયા બાદ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હજુ પણ 14 દરવાજા ખોલવામાં આવશે. તંત્રએ આ માટે પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી બોડકદેવ, સેટેલાઈટ, ઈસ્કોન વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે જોધપુર, શિવરંજની, પાલડી, જીવરાજ પાર્ક, ઈસનપુર, જશોદાનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વરસાદ પડી શકે છે. અમદાવાદના ધોળકામાં ગઈકાલથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગરમાં રાતના 8 થી 10 વાગ્યા દરમિયાન ચુડા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચુડા, મોજીદડ, કારોલ, છત્રીયાળા, ભગૂપુર સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.
હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે હવે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.