પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ: સાસરીયા બે પુત્રોની કાળજી રાખે છે કે નહી તે જોવા પતિ પત્નીની જાસૂસી કરાવતો હતો
4 વર્ષથી પિયર રહેતી પત્નીને તેડી જવા પણ પતિની તૈયારીઃ કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ ચાલી રહ્યો છે
સુરત તા. 20 જુલાઇ 2020 સોમવાર
છેલ્લા ચાર વર્ષથી પિયરમાં રહેતી પત્નીની જાસૂસી કરાવવાના પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા પતિની પુછપરછમાં પત્ની સાથે કોઇ વિખવાદ નથી અને પોતાની સાથે લઇ જવા પણ તૈયાર છે પરંતુ પત્ની સાથે રહેતા બે પુત્રની તેઓ કાળજી રાખે છે કે નહિ તેની જાણકારી મેળવવા માટે જાસૂસી કરાવતો હોવાની કબૂલાત કરતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.
નાનપુરા વિસ્તારમાં રહેતી ડિમ્પલ (નામ બદલ્યું છે) એ વર્ષ 2002માં ડાયમંડ જ્વેલરીનો વેપાર કરતા અપુર્વ ભુવનબાબુ મંડલ (રહે. 26, જલદર્શન સોસાયટી, ઉમરીગર સ્કુલની બાજુમાં, પાર્લેપોઇન્ટ) પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પારિવારીક ક્લેશથી કંટાળી વર્ષ 2016માં ડિમ્પલ તેના પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને ફેમીલી કોર્ટમાં ખાધાખોરાકી માટે કેસ ચાલી રહ્યો છે. દરમ્યાનમાં ઉધના-મગદલ્લા રોડ સ્થિત દ્વારકેશ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાપડના કારખાનામાં વૃધ્ધ પિતા સાથે આવ-જા કરતી ડિમ્પલનો પીછો કરવાની સાથે ફોટા ક્લીક કરતા જ્વાલાસીંગ રાજનાથસીંગ રાજપુત (રહે. સુગમ સોસાયટી, જે.એચ.બી સરદાર પ્રાથમિક શાળા નજીક, અડાજણ પાટિયા) ને પિતા-પુત્રીએ રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ સમક્ષ જ્વાલાસીંગે ડિમ્પલના પતિ અપુર્વ
કલાકના રૂા. 400 ચુકવી છેલ્લા એક મહિનાથી જાસૂસી કરાવતો હોવાની કબૂલાત કરી હતી. આ પ્રકરણમાં પોલીસે અપૂર્વની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં અપૂર્વએ કબુલાત કરી હતી કે પત્ની ડિમ્પલ સાથે કોઇ વિખવાદ નથી. પત્ની ભલે તેના પિયરમાં રહેતી હોય પરંતુ તેની તેમના બે સંતાન કે પત્ની માટે શોપીંગ કરવા તેઓ સાથે જ જાય છે. ગત મે મહિનામાં 11 વર્ષના બીજા નંબરના પુત્ર ગંભીર બિમારીમાં પટકાતા હોસ્પિટલમાં સારવાર માટે પતિ-પત્ની ખડેપગે રહ્યા હતા. હાલમાં કોરોના વાયરસની સ્થિતીમાં બે પુત્રની કાળજી પત્ની અને સાસરીયા યોગ્ય રીતે રાખે છે કે નહિ તેની માહિતી મેળવવા માટે જાસૂસી કરાવ્યાની અને હાલમાં પત્ની ડિમ્પલને પોતાની સાથે લઇ જવા તૈયાર હોવાની કબૂલાત કરી હતી.