- પ્રેમલગ્ન કર્યા હતા અને મહિના અગાઉ સુરત આવ્યા હતાઃ પત્નીને ગાવાનો શોખ હતો પરંતુ પતિને પસંદ ન હોવાથી આ મુદ્દે ઝઘડો થયાની શંકા
સુરત
પાંડેસરાના જય અંબે નગરમાં બંધ ઘરમાંથી દંપતીની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવવાની ઘટનામાં પત્નીનું ગળું દબાવતા મોત થયાનું પોસ્ટમોર્ટમમાં બહાર આવતા પોલીસે પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરનાર પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જો કે હજી સુધી હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.
પાંડેસરાના જય અંબે નગરના પ્લોટ નં. 368 ના બીજા માળે રૂમ નં. 11 માંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મેઇન દરવાજાને અંદરથી લોક માર્યુ હોવાથી પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશી તપાસ કરતા એક મહિના અગાઉ વતન બિહારથી સુરત આવનાર રંજીતકુમાર સુરેન્દ્ર શાહ (ઉ.વ. 26) અને તેની પત્ની સુશીલાકુમારી (ઉ.વ. 25) ની લાશ મળી આવી હતી. બંનેના પોસ્ટમોર્ટમમાં સુશીલાકુમારીનું મોત ગળા પર દબાણ આવવાથી થયું હોવાનું જયારે રંજીતે ફાંસો ખાઇ આપઘાત કર્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પત્ની સુશીલાને મોતને ઘાટ ઉતારનાર રંજીત વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રેમલગ્ન કરનાર રંજીત અન સુશીલા એક મહિના અગાઉ વતન બિહારથી સુરત આવ્યા હતા.

રંજીત ફર્નિચર કામ કરતો હતો જયારે સુશીલા ગૃહિણી હતી. પ્રેમલગ્ન કર્યા બાદ એક મહિના અગાઉ સુરત આવેલા રંજીતે કયા કારણોસર સુશીલાની હત્યા કરી તે અંગેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. જો કે પોલીસ તપાસમાં સુશીલાને ગીત ગાવાનો શોખ હતો અને રંજીતને તે પસંદ ન હતું. જેથી સંભવત આ મુદ્દે ઝઘડો થતા હત્યા કર્યાની આશંકા છે. જો કે બંનેના પરિજનો આવતી કાલે સુરત આવ્યા બાદ હત્યાનું કારણ સ્પષ્ટ થશે.


