ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો

ગાંધીનગર નજીક આવેલા સાદરાના કલ્યાણપુરામાં
ગામ છોડી ગયેલો યુવાન માતાની ખબર કાઢવા માટે આવ્યો તે દરમિયાન ઘટના બની ઃ ચિલોડા પોલીસની તપાસ
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
સાદરાના કલ્યાણપુરા ગામના અને હાલ દહેગામ ખાતે રહેતા દિલીપકુમાર પ્રતાપજી ચૌહાણ
દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,
એક વર્ષ અગાઉ તેમણે ગામમાં રહેતી વિધવા મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે
આ વિધવા મહિલાના સાસરી પક્ષના વ્યક્તિઓ દ્વારા તેને ગામમાં પ્રવેશ ન કરવા માટે
ધમકી આપવામાં આવી હતી. દરમિયાનમાં ગત ૧૫ ઓગસ્ટના રોજ દિલીપકુમાર તેમની માતાની ખબર
કાઢવા માટે ઘરે આવ્યા હતા તે દરમિયાન મહિલાની અગાઉની સાસરીના વ્યક્તિઓ, કિરણજી અમરતજી
ચૌહાણ, દશરથજી
નાથુજી ચૌહાણ, બળવંતસિંહ
નાથુજી ચૌહાણ, મંગાજી
નાથુજી ચૌહાણ, વનરાજસિંહ
દશરથસિંહ ચૌહાણ, સિધ્ધરાજસિંહ
દશરથસિંહ ચૌહાણ, રાજુજી
નાથુજી ચૌહાણ, ધુળીબેન
નાથુજી ચૌહાણ અને કાળીબેન દશરથજી ચૌહાણ ત્યાં આવ્યા હતા.
જેમના હાથમાં લાકડી, લાકડાનો ધોકો, લોખંડની કુહાડી, ઈંટના ટુકડા અને
દાંતી જેવા હથિયારો હતા. તેઓએ દિલીપકુમારને ગાળો આપી અને ધમકી આપી કે ફરીથી ગામમાં
આવશે તો મારી નાખવામાં આવશે. તેમની માતા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે
દિલીપકુમાર ગભરાઈને ઘરમાં ભાગી ગયા હતાં અને દરવાજો બંધ કરી દીધો હતો ત્યારે
દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો જતા રહ્યા બાદ, દિલીપકુમારે
જોયું કે તેમના બાઈકને ધોકા મારીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના અંગે
ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી હતી.








