Get The App

સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ 1 - image

ચોટીલા અને લીંબડીના બૂટલેગરોને બોલાવી ધંધો બંધ કરવા કડક સૂચના

બુટલેગરના ઠેકાણા પર અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત રેડ કરવા તમામ પોલીસ મથકોને આદેશ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર પોલીસ વડા દ્વારા જિલ્લાના ૬૩૩ લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાવામાં આવી છે. પોલીસ વડાએ બુટલેગર પર સતત વોચ ગોઠવી અને તેમના ઠેકાણા પર અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત રેડ કરવા તમામ પોલીસ મથકોને આદેશ આપ્યો છે. એટલું જ નહીં લિસ્ટેડ બૂટલેગરોની યાદી દર મહિને અપડેટ કરવા જણાવાયું છે.

 

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જિલ્લાના ૧૦થી વધુ પોલીસ મથકોમાં નોંધાયેલા ૬૩૩ લિસ્ટેડ બૂટલેગરોની યાદી તેમના નામ, ઉંમર અને સરનામા સાથે જાહેર કરવામાં આવી છે. એસ.પી.એ તમામ પોલીસ સ્ટેશનોને બૂટલેગરો પર સતત વોચ રાખવામાં આવે અને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત તેમના ઠેકાણાઓ પર રેડ કરી તેમજ આ ઉપરાંત, અધિકારીઓને આકસ્મિક ચેકિંગ કરી બૂટલેગરોની ગતિવિધિઓ તપાસવા તાકીદ કરી છે.

 

આ ઝુંબેશના ભાગરૃપે આજે ચોટીલા અને લીંબડી ડિવિઝનના બૂટલેગરોને એસ.પી. કચેરી ખાતે રૃબરૃ બોલાવવામાં આવ્યા હતા. એસ.પી.એ આ શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરી હતી અને દારૃનું વેચાણ કે કટિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ કરી દેવા માટે કડક શબ્દોમાં તાકીદ કરી હતી. આગામી દિવસોમાં ધ્રાંગધ્રા, વઢવાણ અને અન્ય ડિવિઝનના બૂટલેગરોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પ્રથમ વખત આ પ્રકારે જાહેર લિસ્ટ બહાર પાડી કડક કાર્યવાહીના આદેશ અપાતા જિલ્લાના બૂટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

બૂટલેગરોની યાદી દર મહિને અપડેટ થશે

પોલીસ વડાએ સૂચના આપી છે કે દર મહિને બૂટલેગરોની યાદીમાં ફેરફાર કરી નવું માસિક પત્રક તૈયાર કરવું, જેમાં નવા ઉમેરાયેલા કે મૃત્યુ પામેલા શખ્સોની વિગતો અપડેટ કરી કચેરીમાં જમા કરાવવાની રહેશે. દારૃબંધીના કડક અમલ માટે પી.આઈ. અને ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.