Gujarat

મુળીના ગામડાઓમાં અષાઢી બીજની ઐતિહાસિક ધારાવાડીની પરંપરા આજે પણ અકબંધ

By GS TEAM
28 Jun 20252 mins read
મુળીના ગામડાઓમાં અષાઢી બીજની ઐતિહાસિક ધારાવાડીની પરંપરા આજે પણ અકબંધ

- ગ્રામ્ય દેવી દેવતાઓને નિવૈધ કરી ગામ ફરતે જળધારા સાથે સુતરની આંટીની પરંપરા સંસ્કૃતિને ઉજાગર કરે છે

સુરેન્દ્રનગર : ધારાવાડી શબ્દ આજની પેઢીના યુવાનો માટે અજુકતો અને સમજણ બહાર છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાં દુધઈ સહિતના ગામોમાં અષાઢી બીજને દિવસે ધારાવાડીની પરંપરા હજુ પણ જીવંત જોવા મળી રહી છે.

જેમાં અષાઢી બીજને દિવસે ખેડૂતો માટે નવું વર્ષની સાથે વરૂણદેવને રિજવવા માટે પ્રાર્થના કરી સારો વરસાદ થાય અને આ વર્ષ અનાજ બહોળુ પાકે, ધાન્યના ઢગલાઓ ખેડૂતો ખેતરથી લાવે સાથે પશુઓને બહોળી જગ્યામાં ઘાસચારોથી તૃપ્તિ થાય તે માટે એક ઐતિહાસિક પરંપરા વર્ષોથી ગામડાઓમાં ચાલી આવે છે. પરંતુ હવે તે પણ સમયપ્રમાણે ઓછી થતી જાય છે ત્યારે  મુળી તાલુકાના ગામોમાં અષાઢી બીજના સવારના ગામના લોકો ઢોલ વાગે એટલે ગામ ઝાંપે એકઠા થયા હતા અને ગામનું તોરણ બાંધેલ હોય ત્યાં જે દેવીમાતાના બેસણા હોય તેમના સહિત તમામને નવી ધજા લહેરાવવામાં આવ્યા બાદ ગઢેચીમાતા સાથે રામાપીર મંદિર, અંબાજી મંદિર, રામજી મંદિર, વાસુકીદાદા સહિત સમગ્ર ગ્રામ્યદેવી દેવતાઓને નવી ધજા સાથે શ્રીફળ વધેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગામ ફરતે સુતરની આંટી અને જળધારા થકી એક રક્ષણ કવચ મેળવવાં માટેની વિધી અનેે પ્રાર્થના કરી આ વર્ષ સારું અને નિરોગી રહે, વરસાદ ભરપૂર થાય, ખેડૂતો પશુ પંખીઓને ખોરાક સાથે ધાન્યના ઢગલા થાય, આ આખી ગામલોકોની યાત્રા ગામ પ્રદક્ષિણા કરવામાં આવી હતી જેમાં ગામના આગેવાનો સાથે એક પંચ પણ જોડાયા હતા તેમજ સાંજે ગામ દેવી દેવતાઓને નિવૈધ પ્રસાદ જુવારવામા આવે છે તેમાં લાપસી-સુખડી-ચોખા-સાથે મગનો પ્રસાદ ધરાવવામાં આવ્યા હતા અને સાંજે અષાઢી બીજના ચંદ્રમા બીજના દર્શન કરી ગામલોકો ઓતપ્રોત બની ધન્યતા અનુભવી હતી અને બીજ દર્શન કરી આવનાર વર્ષ કેવું રહેશે તેની આગાહી પણ કરવામાં આવી હતી. આમ મુળીના દુધઈ સહિતના ગામોમાં અષાઢી બીજને દિવસે ધારાવાડીની પરંપરા અકબંધ જોવા મળી હતી જે હવે ભાગ્યે જ બહુ ઓછા ગામોમાં જોવા મળી રહી છે.