AMTSનો વિવાદાસ્પદ સોદો: રૂ. 94 પ્રતિ કિમીનો દેશનો સૌથી ઊંચો ભાવ ચૂકવી 225 ઈલેક્ટ્રીક બસ ચલાવશે
Ahmedabad AMTS EV Bus: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) છેલ્લા કેટલાક સમયથી ભારે દેવા હેઠળ ચાલી રહી છે. અંદાજે ₹6,000 કરોડના દેવા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના લોનના બોજા હેઠળ દબાયેલી આ સંસ્થા હવે વધુ એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. AMTS 225 ઈલેક્ટ્રિક બસો માટે પ્રતિ કિલોમીટર ₹94ના ઊંચા ભાવે એરો ઈગલ નામની એજન્સીને ચૂકવણી કરશે. આ ભાવ દેશભરમાં ઈલેક્ટ્રિક બસો માટે ચૂકવવામાં આવતા સૌથી ઊંચા ભાવ ગણાય છે.
AMTS દ્વારા 225 બસના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે એરો ઈગલ નામની એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ ટેન્ડર માટે માત્ર 35 બસ સપ્લાય કરવાનો અનુભવ જ માંગવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ એજન્સી માત્ર બે વર્ષ પહેલાં જ અસ્તિત્વમાં આવી છે. આ સોદામાં વધુ એક ચિંતાજનક બાબત એ છે કે ઓછી આવક અને અન્ય પેનલ્ટીને માત્ર 10%માં સમાવી લેવામાં આવી છે, જે AMTS માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ નિર્ણયથી અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને જ્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં આ ભાવ ખૂબ જ વધારે છે. ઉદાહરણ તરીકે:
ગુજરાત (અન્ય ટેન્ડર): ₹65.5 પ્રતિ કિલોમીટર (9 મીટર બસ)
મધ્યપ્રદેશ: ₹58.1
મહારાષ્ટ્ર: ₹69.05
રાજસ્થાન: ₹60.09
હરિયાણા: ₹65
આંધ્રપ્રદેશ: ₹62.2
ઉત્તરાખંડ: ₹57.6
પંજાબ: ₹65.9
આ ઉપરાંત, જનમાર્ગ દ્વારા છ મહિના પહેલા કરવામાં આવેલા 12 મીટર લંબાઈની બસના ટેન્ડરમાં પ્રતિ કિલોમીટર ₹72નો ભાવ આવ્યો હતો, જે AMTSના નવા ભાવ કરતા ઘણો ઓછો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સતત વધી રહેલું દેવું જોતા એક સમયે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર સ્વ. ગુરુપ્રસાદ મોહપાત્રાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, "શા માટે ચલાવો છો? સંસ્થાને તાળા મારી દો." આ ઘટના ફરી એકવાર AMTSના આર્થિક સંચાલન અને દેવાના બોજા નીચે દબાઈને લેવાઈ રહેલા નિર્ણયો પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શું આ નિર્ણય AMTSને વધુ દેવામાં ધકેલવાનું એક કાવતરું છે? આ અંગેનો પ્રસ્તાવ AMTSની આગામી કમિટી બેઠકમાં મંજૂરી માટે રજૂ થશે, અને તે સમયે જ આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.