સ્મીમેરમાં હેલ્થ વર્કર દંપતી કોરોનાના સંક્રમણમાંથી સાજુ થઇ ફરી ફરજ ઉપર
રેડીયોગ્રાફી ટેકનીશીયન પતિ વિકાસ ટેલર અને હેડ નર્સ રેખાબેનને એકસાથે સંક્રમણ થયું હતું ઃ પુત્ર પણ કોવિડ વોર્ડમાં મેલ નર્સ છે
દર્દીઓની સાથે રહી મનોબળ મજબૂત બન્યું
સુરતતા.1ઓગસ્ટ.2020શનિવાર
સુરતમાં કોરોના કેસોના રાફડા વચ્ચે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં કોરોના વોરિયર એવાં ટેલર દંપતિ દર્દીઓની સેવા કરતાં કરતાં ખુદ કોરોનાના દર્દી બની ગયા હતા. સ્મીમેર હોસ્પિટલની ફરજ દરમિયાન ટેલર દંપતિ એકસાથે કોરોનાગ્રસ્ત બન્યા બાદ ૧૫ દિવસની સારવાર પછી એક સાથે ફરજ પર પણ જોડાઈ ગયાં છે.
મૂળ નવસારીના વતની અને હાલ રાંદેરના ઉગત રોડ વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષીય વિકાસ ટેલર સ્મીમેર હોસ્પિટલમાં રેડિયોગ્રાફી ટેકનીશીયન તરીકે ફરજ બજાવે છે.અને તેમની પત્ની રેખાબેન સ્મીમેરમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. દર્દીઓને સારવાર આપતા આપતા ગત તા.૦૭ મીએ દંપતિ કોરોનામાં સપડાયા હતા.અને ૧૫ દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં ગત તા.૨૪ મીએ દંપતિ ફરી સેવા માટે ફરજ પર એકસાથે જ હાજર થઈ ગયા હતાં.
વિકાસભાઈએ કહ્યું કે, સ્મીમેરના સાથી ડોક્ટરોએ કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા આપી હતી. ઉપરાંત કોરોનાના દર્દીઓ તેમના સગાવ્હાલાની સેવા મદદના કારણે માનસિક રીતે મનોબળ પણ મજબૂત બન્યું હતું. રેખાબેને કહ્યું કે, મહામારીની શરૃઆતથી કોવિડ-૧૯ વોર્ડમાં ફરજ પર છું. અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરે સારવારનો વિકલ્પ હતો. પણ ઘરે વયોવૃદ્ધ સાસુ તેમજ ઘરના અન્ય સભ્યોને પણ ઇન્ફેકશન લાગવાનો ભય હતો. તેથી સ્મીમેરમાં ૧૫ દિવસ સારવાર લીધી. પુત્ર પણ સ્મીમેરના કોવિડ વોર્ડમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યો છે. સ્મીમેરની સારવારમાં એલોપેથી દવાઓની સાથે આયુર્વેદિક ઔષધીય પદાર્થો, ઉકાળાનું પણ સેવન શરૃ કર્યું હતું. ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફના સતત મોનિટરીંગના પરિણામે ક્રમશઃ સ્વાસ્થ્યમાં સુધારો થયો અને આજે અમે ફરીથી સ્મીમેરમાં ફરજ નિભાવી રહ્યાં છીએ.
.
.