- હોસ્પિટલના તબીબોએ એમએલસી દાખલ કરી
- કંપનીએ માંગણીઓ ન સંતોષાતાં અન્ય આંદોલનકારી કામદારોનો આંદોલન યથાવત રાખવાનો નિર્ણય
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની ડી.સી.ડબલ્યુ કંપની સામે ચાલી રહેલા આંદોલન દરમિયાન એક કામદાર મનીષભાઈ સિંધવની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, અન્ય આંદોલનકારીઓએ તેમની માંગણીઓ ન સંતોષાતા આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
ધ્રાંગધ્રાની ડી.સી.ડબ્લ્યુ. કંપની સામે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ ત્રણ કર્મચારીઓ ૨૭મી જાન્યુઆરી, મંગળવારના રોજ અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનના બીજા દિવસે છાવણીમાં બેઠેલા કામદાર મનીષ સિંધવ નામના કર્મચારીની હાલત અચાનક નાજુક બનતા તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ આ મામલે કંપનીના જવાબદાર અધિકારીઓ સામે એમએલસી (મેડિકલ લીગલ કેસ) દાખલ કરી છે.
એક કામદારની તબિયત લથડવા છતાં, અન્ય આંદોલનકારી કામદારોએ પોતાનું આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્થિતિમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે મહિલા કામદારોને કાયમી ઓર્ડર આપવામાં આવે, પગારમાં વધારો કરવામાં આવે અને બોનસની રકમમાં પણ સુધારો કરવામાં આવે.


