Get The App

રેલવે વર્કશોપના ઓ.એસ.ના આત્મહત્યા પ્રકરણે હેડક્વાર્ટરથી તપાસ સમિતિ આવી

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
રેલવે વર્કશોપના ઓ.એસ.ના આત્મહત્યા પ્રકરણે હેડક્વાર્ટરથી તપાસ સમિતિ આવી 1 - image

- ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું

- પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટરે યુનિયનોના આગેવાનો સાથેની ચર્ચામાં વર્કશોપના કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે યોગ્ય કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું 

ભાવનગર : સિહોરમાં રહેતા અને ભાવનગર પરા રેલવે વર્કશોપમાં ફરજ બજાવતા ઓફિસ સુપ્રિ. (ઓ.એસ.)એ કરેલા આપઘાત પ્રકરણમાં પશ્ચિમ રેલવે હેડક્વાર્ટરની બે સભ્યોની તપાસ સમિતિ આજે ભાવનગર આવી પહોંચી હતી અને તપાસનો પ્રારંભ કર્યો હતો. હેડક્વાર્ટરે યુનિયનોના આગેવાનો સાથેની ચર્ચા બાદ વર્કશોપના કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે યોગ્ય કરવાની ખાતરી આપતા વર્કશોપના કર્મચારીઓ દ્વારા બે દિવસથી ચાલતું ધરણા આંદોલન ગઈ મોડી રાત્રીના સમેટાયું હતું. 

 આ અંગેની વિગત અનુસાર ભાવનગર પરા રેલવે વર્કશોપમાં ઓ.એસ. તરીકે ફરજ બજાવતા અને સિહોરના ગણેશનગરમાં રહેતા ઘનશ્યામભાઈ ધરમશીભાઈ ચૌહાણ (ઉ.વ.૫૪)એ ગઈ તા. ૨૦-૩ના રોજ સવારે ૧૦.૫૫ વાગ્યાના અરસામાં ભાવનગર પરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મની ઓફ સાઈડ પરથી ભાવનગર-મહુવા ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યાની જાણ થતા રેલવે પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. 

 દરમિયાનમાં, આ બનાવની જાણ થતા આઘાતથી સ્તબ્ધ  રેલવેના પાંચેય યુનિયનના સભ્યો અને કર્મચારીઓ રેલવે વર્કશોપના એડમિન. બિલ્ડીંગ ખાતે જ ધરણા પર બેસી ગયા હતા. આ બનાવ માટે કર્મચારીઓએ એક અધિકારી સામે ટોર્ચરના આક્ષેપ કર્યા હતા અને જે અધિકારીના ટોર્ચરના કારણે આ કર્મચારીએ આજે જીવાદોરી ટૂંકાવી લીધી છે તે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તેના સહિત જુદીજુદી આઠ માંગણી સાથે રોષે ભરાયેલા કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા હતા. 

 જે પ્રશ્નોનું નિરાકરણ લાવવા કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા તેમાં સહાયક કાર્મિક અધિકારી દિનાનાથ વર્માને તાત્કાલિક સસ્પેન્ડ કરી ટ્રાન્સફર કરવામાં આવે, સહાયક કારખાના પ્રબંધક અને કારખાના પ્રબંધકની બદલી કરાય, કેડરના અનુસાર  આઉટટર્ન નિર્ધારિત કરાય, એપ્રેન્ટીસને પ્રશિક્ષ સમજવામાં આવે, તેમાં રેલવેના સંતાનોને કામ પર ન લેવાય, ટાઈમ સ્ટડી કરી તેના આધારે જ કેડર નિર્ધારિત કરવામાં આવે. આઉટ ટર્ન વધારવા માટે કર્મચારીઓ ઉપર દબાણ ન લાવવામાં આવે, કોઈ કારણ વિના અને ખોટી રીતે ચાર્જશીટ ન દેવામાં આવે, ચાર્જશીટને દબાણ વધારવા માટેનું હથિયાર તરીકે ઉપયોગમાં ન લવાય અને બીજા રેલવે વર્કશોપની જેમ ભાવનગર રેલવના કર્મચારીઓ માટે પણ ઈન્સેન્ટિવને વહેલી તકે લાગું કરવામાં આવે તેવી માંગણીનો સમાવેશ થાય છે. 

 કર્મચારીઓના આંદોલનને પગલે પશ્ચિમ રેલવેના મુંબઈ સ્થિત હેડક્વાર્ટર દ્વારા આ પ્રકરણે ગઈ કાલે તા. ૨૧ના રોજ યુનિયનોના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી અને કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે યોગ્ય કરવાની ખાતરી અપાતા ગઈ કાલે મોડી રાત્રે આંદોલન સમેટાયું હતું અને આજે વર્કશોપમાં કર્મચારીઓ રાબેતા મુજબ કામ પર ચડી ગયા હતા. બીજી બાજુ આજે હેડક્વાર્ટરથી બે સભ્યોની તપાસ સમિતિ ભાવનગર આવી પહોંચી હતી અને રેલવે વર્કશોપમાં નિવેદનો લેવાનો પ્રારંભ કર્યો હતો. તપાસ સમિતિ સોમવારે પણ તપાસ કરશે.