હર ઘર તિરંગા અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન થશે
મુખ્ય માર્ગો પરના સર્કલો, બિલ્ડિંગો તિરંગા થીમ આધારિત સુશોભિત કરાશે
વડોદરા,વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષની જેમ ''હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા ઃ સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાની સાથે'' થીમ આધારીત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે,
હર ઘર તિરંગા અભિયાન જુદા-જુદા ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં તા.૮ ઓગસ્ટ દરમિયાન રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકીંગ, તિરંગા પ્રેરીત આર્ટ, ક્વીઝ સ્પર્ધા, રાખડી મેકીંગ વર્કશોપ અને સ્પર્ધા, વોલ પેન્ટીંગ, લેટર ઝુંબેશ વગેરે જેવા કાર્યક્રમો થશે. બીજા તબક્કામાં તા.૯ થી ૧૨ દરમિયાન તિરંગા યાત્રા અને રેલી, સ્વચ્છતા ઝુંબેશ અને ત્રીજા તબક્કામાં તા.૧૩ થી ૧૫ સ્વચ્છતા જાગૃતિ, સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
તિરંગા યાત્રા અનુલક્ષીને શહેરભરમાં જુદી-જુદી શાળાઓ, કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ, શહેરના મુખ્ય માર્ગો પરના સર્કલોને સુશોભિત કરવામાં આવશે. સેલ્ફી વીથ તિરંગા સ્ટેન્ડી મુકવામાં આવશે.
તમામ વોર્ડ દીઠ સ્વચ્છતા અભિયાન થશે. શાળાઓ કોલેજોમાંથી પણ તિરંગા યાત્રા નીકળશે. હાઇરાઇઝ બિલ્ડિંગો, સરકારી ઇમારતો, હેરીટેજ ઇમારતો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર માર્ગો પર તિરંગા ઝંડા અને તિરંગા કલરની થીમ આધારીત લાઇટીંગ કરવામાં આવશે.