For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

GST કૌભાંડ આંતરરાજ્ય અને તેનું સંચાલન જુદાજુદા રાજ્યોમાંથી થાય છે

સુરત પોલીસના "ઓપરેશન જીએસટી" ની તપાસમાં ખુલાસો : અત્યાર સુધીની તપાસમાં 650 પેઢીની સંડોવણી, 2500 થી 3000 કરોડના ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.450 કરોડની ક્રેડીટ ચોરી

ઈકો સેલે સુરતની 25 પેઢીમાં દરોડા પાડયા તેમાં માત્ર ત્રણ પેઢીના જ સરનામા સાચા મળ્યા

Updated: Nov 23rd, 2022

Article Content Image

- સુરત પોલીસના "ઓપરેશન જીએસટી" ની તપાસમાં ખુલાસો : અત્યાર સુધીની તપાસમાં 650 પેઢીની સંડોવણી, 2500 થી 3000 કરોડના ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.450 કરોડની ક્રેડીટ ચોરી

- ઈકો સેલે સુરતની 25 પેઢીમાં દરોડા પાડયા તેમાં માત્ર ત્રણ પેઢીના જ સરનામા સાચા મળ્યા

સુરત, : ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બાદમાં ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડ અંગેના સુરત પોલીસના "ઓપરેશન જીએસટી" ની તપાસમાં ખુલાસો થયો છે કે જીએસટી કૌભાંડ આંતરરાજ્ય છે અને તેનું સંચાલન જુદાજુદા રાજ્યોમાંથી થાય છે.આર્થિક ગુના નિવારણ શાખાએ ગતરાત્રે ક્રાઈમ બ્રાન્ચની સાથે સુરતની 25 પેઢીઓ ઉપર રેઈડ કરી હતી અને તેમાં માત્ર ત્રણ પેઢીના જ સાચા સરનામા મળ્યા હતા.

આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાવટી લાઈટબિલના આધારે ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બાદમાં ટેક્સ ક્રેડિટ મેળવનાર આઠ પેઢીઓ-સંચાલકો વિરુદ્ધ સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી "ઓપરેશન જીએસટી" અંતર્ગત તપાસ હાથ ધરી હતી.સુરત પોલીસને "ઓપરેશન જીએસટી" ની તપાસ દરમિયાન સુરત, અમદાવાદ, ભાવનગરની 163 પેઢીઓનું 1259 કરોડ ટર્નઓવર અને 116 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટની ચોરી મળ્યા બાદ કુલ 14 ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ દરમિયાન સુરતના સરનામે જીએસટી નંબર મેળવી ટેક્સ ચોરી કરી હતી તેવી 25 પેઢીની વિગતો મળી હતી.પરિણામે આર્થિક ગુના નિવારણ શાખાએ ગતરાત્રે ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી સુરતના ડિંડોલી, લીંબાયત, સચિન, પાંડેસરા, અઠવા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં 25 સ્થળોએ રેઈડ કરી હતી.

આર્થિક ગુના નિવારણ શાખાએ જે 25 સરનામા ઉપર જીએસટી નંબર મેળવી ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી તેનું વેરિફિકેશન કર્યું તો 11 સ્થળના સરનામાં સદંતર ખોટા હતા.જયારે 7 સરનામા તો રહેણાંક હતા.માત્ર 3 સરનામા સાચા હતા.જોકે, ગતરોજની તપાસમાં ખુલાસો થયો હતો કે જીએસટી કૌભાંડ આંતરરાજ્ય છે અને તેનું સંચાલન કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઝારખંડ, તેલંગણા, પોંડીચેરી, છત્તીસગઢ, આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દમણ એન્ડ દીવ જેવા જુદાજુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી થાય છે.આર્થિક ગુના નિવારણ શાખાની અત્યાર સુધીની તપાસમાં સમગ્ર કૌભાંડમાં 650 પેઢીઓની સંડોવણી બહાર આવી છે.જયારે 2500 થી 3000 કરોડના ટ્રાન્ઝેક્શન અને રૂ.450 કરોડની ક્રેડીટ ચોરી મળી છે.

Article Content Image

નાણાંકીય વ્યવહારો ગુજરાતના જુદાજુદા શહેરોમાં આંગડીયા પેઢીઓ મારફતે થયા છે

સુરત, : સુરત પોલીસના "ઓપરેશન જીએસટી" ની તપાસમાં તેવું પણ જાણવા મળ્યું છે કે કૌભાંડમાં માતબર નાણાકીય વ્યવહારો આંગડીયા પેઢીઓ મારફતે ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં થયા છે.આથી આર્થિક ગુના નિવારણ શાખાએ તે આંગડીયા પેઢીઓ તેમજ તેના મારફતે પૈસા મેળવનાર લોકોને શોધી કાઢવાની દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

Gujarat