Gujarat

રમેશના શ્વાસેશ્વાસે વસી'તી લીલીછમ વેલી, અમરેલીના ખૂણેખૂણે બેઠાં છે ર.પા.નાં સ્મરણ

By GS TEAM
16 May 20262 mins read
રમેશના શ્વાસેશ્વાસે વસી'તી લીલીછમ વેલી, અમરેલીના ખૂણેખૂણે બેઠાં છે ર.પા.નાં સ્મરણ

ઠેબીના કાંઠેથી સાહિત્ય જગતનો સૂરજ ઉગ્યો..: ર.પા. અને વતન અમરેલીનો અદ્દભૂત અનુબંધ : શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ? ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ? બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત, આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ?

રાજકોટ, : ગુજરાતી સાહિત્ય આકાશમાં જેમના નામના 'છ અક્ષર' સુવર્ણ અક્ષરે કોતરાયેલા છે, એવા લોકપ્રિય કવિ રમેશ પારેખની રચનાઓ આજે પણ કરોડો ગુજરાતીઓનાં હૃદયમાં ધબકે છે. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં પોતાની આગવી શૈલીથી આધુનિક ગુજરાતી કવિતાને લોકભોગ્ય બનાવનાર ર.પા. માત્ર એક કવિ નહોતા, પણ શબ્દોના ખરા અર્થમાં જાદુગર હતા. 

અમરેલી એટલે રમેશ પારેખના શબ્દોનું સરનામું. ઠેબી નદીનાં વહેણમાં આજે પણ કવિનાં ગીતોની ગુંજ સંભળાય છે. તેમનાં વ્યક્તિત્વ અને કવિતાનાં ઘડતરમાં આ નગરનો ફાળો પાયાનો રહ્યો છે. તેમના માટે અમરેલી માત્ર રહેવાનું સરનામું નહોતું પણ તેમના કાવ્ય વિશ્વનું જીવંત પાત્ર અને એક આખું બ્રહ્માંડ હતું, તો અમરેલી પણ રમેશ પારેખ થકી વિશેષ કીર્તિ પામ્યું છે. રમેશ પારેખની બળુકી કલમે અનેક કવિતાઓ થકી અમરેલીને અછોવાના કર્યા છે. પોતાની હયાતીમાં ર.પા.એ અમરેલીને સાહિત્યિક સંવેદનોથી ધબકતું રાખ્યું. રમેશ પારેખની અનેક રચનામાં અમરેલીની ભૌગોલિકતા અને સ્મરણો જીવંત થાય છે. ત્યાંની આબોહવા, લોકબોલીનો પ્રભાવ તેમની રચનાઓમાં છલકાય છે. સોનલ, મીરા કે આલા બાપુ સહિતનાં પાત્રોના સર્જન પાછળ પણ ત્યાંનાં લોકજીવનની અસર જોવા મળે.

રમેશ પારેખની સફર એ વાતનો પુરાવો છે કે, સાહિત્ય કોઇ ભૌગોલિક સીમાઓમાં બંધાયેલું નથી. અમરેલી જેવી નાની જગ્યાએ રહીને પણ તેમણે ગુજરાતી ભાષાને જે વૈભવ આપ્યો, તે અજોડ છે. 20 વર્ષ પહેલાં તા. 17 મે- 2006ના રમેશ પારેખે ચિરવિદાય લીધી પરંતુ અમરેલીની હવામાં આજેય ર.પા.ના શબ્દો ગુંજે છે, ગુંજતા રહેશે.

'અમારી વાતોમાંથી જ મુદ્રાએ આકાર લીધો, ટાવર નજીક કવિઓની બેઠક કરતા' : હું ને ર.પા. પાટિયા શેરીમાં પાડોશી. એ રોજ બપોરે મારી ઓફિસે ચા પીવા આવે, એક કલાક બેસે અને અમે એક-બીજાની રચનાની ચર્ચા કરીએ. આવી જ વાતોમાં 'મુદ્રા'એ આકાર લીધો. દર શનિવારે રાત્રે કવિઓની બેઠક મળતી થઈ ને નામ અપાયું મુદ્રા. તેમની આગેવાનીમાં અમરેલીના અમે સૌ કવિઓ ટાવર નજીક બજારની વચ્ચે આવેલી બડે ભાઈ બેન્ડવાળાની વિશાળ મેડીએ મળીએ. બાદમાં મુદ્રાંકન નામનું મેગેઝિન પણ બહાર પાડતા. મારૂં કવિ તરીકેનું ઘડતર પણ મુદ્રાની બેઠકમાં થયું તેમ કહી શકાય.        (- અરવિંદ ભટ્ટ-કવિ, મિત્ર, અમરેલી)