નાબાર્ડના નવા ચેરમેન તરીકે ભારત સરકારે જી.આર.ચિંતાલાની નિમણુંક કરી
- જી.આર.ચિંતાલા હાલ નાબાર્ડ ની સબસિડરી ફાઇનાન્સ કંપની ના મેનેજીંગ ડિરેકટર હતા
અમદાવાદ, તા. 27 મે 2020 બુધવાર
દેશમાં કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે લઘુ આર્થિક સહાય પુરી પાડતી ભારતની અગ્રણી રાષ્ટીયકૃત બેંક નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ- NABARD)ના નવા ચેરમેનની અંતે આજે ભારત સરકારે નિમણુંક કરી દીધી છે.
નવા ચેરમેન તરીકે જી.આર.ચિંતાલાને નિમવામાં આવ્યા છે. ચિંતાલા અગાઉ નાબાર્ડની જ ફાઈનાન્સિયલ સબસિડિયરી કંપની એવી એનએબીફિન્સ (NABFINS) ના મેનેજીંગ ડિરેક્ટર હતા.
નાબાર્ડના ચેરમેનની મુદ્દત ત્રણ વર્ષની હોય છે ત્યારે અગાઉના ચેરમેન હર્ષ કુમાર ભાનવાલાની ત્રણ વર્ષની મુદ્દત ગત ડિસેમ્બરમાં પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ કેન્દ્ર સરકારે તેઓને છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું.
ભારત સરકારે તાકીદની અસરથી જી.આર.ચિંતાલાની નવા ચેરમેન તરીકે નિમણૂક કરતા તેઓએ આજથી જ ચાર્જ સંભાળી લીધો છે. તેઓ અગાઉ નાબાર્ડના અધિકારીથી માંડીને અનેક વિવિધ હોદ્દાઓ ઉપર રહી ચૂક્યા છે અને 2006માં ભારતમાં રિજનલ રૂરલ બેંકસનો રોડમેપ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. નાબાર્ડની રિજનલ ઓફિસ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલી છે.