એમપીની ટોળકી પ્રતિબંધીત વિસ્તારમાં ઘુસી ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરી નાખે ત્યાં સુધી વનવિભાગ અજાણ
વનવિભાગ દ્વારા થાણાઓ પર ચેકિંગ અને જંગલમાં પેટ્રોલિંગનાં દાવાઓ વચ્ચે જંગલમાં આવેલા ચંદનનાં વૃક્ષોની અમુક વનકર્મીઓને કે આસપાસનાં વિસ્તારનાં લોકોને પણ જાણ હોતી નથી તો મધ્યપ્રદેશનાં શખ્સો કેવી રીતે માહિતી મળે છે તે એક સવાલ
જૂનાગઢ, : સાસણનાં તથા જંગલનાં પ્રતિબંધીત સેન્ચયુરી અને અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચંદનનાં કિંમતી લાકડાઓનું કટીંગ કરી વેંચાણ કરતી પરપ્રાંતીય ગેંગને વનવિભાગે પકડી પાડી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, જંગલમાં આવેલા ચંદનનાં વૃક્ષોની અમુક વનકર્મીઓને કે આસપાસનાં વિસ્તારનાં લોકોને પણ જાણ હોતી નથી. તો મધ્યપ્રદેશનાં શખ્સો કેવી રીતે જંગલનાં પ્રતિબંધીત વિસ્તારમાં ઘુસી ચંદનનાં વૃક્ષો સુધી પહોંચી જાય છે અને તેની તમામ માહિતીઓ મેળવી તેનું ધડાધડ કટીંગ કરી નાખવામાં આવી રહ્યું છે. વનવિભાગે આ ટોળકી પાસેથી તેને જંગલનાં ચંદનનાં વૃક્ષોની માહિતી આપનાર કોણ તે શોધવામાં શા માટે સફળતા મળતી નથી ? તે એક સવાલ છે.
જંગલમાં વનવિભાગ સિવાય તમામ લોકોને જવા પર પ્રતિબંધ હોય છે. જંગલનાં કેટલાય વિસ્તારોમાં ચેકપોસ્ટ પણ આવેલી છે. જંગલ વિસ્તારોનાં એરીયામાં વનવિભાગનાં થાણા પણ આવેલા છે. વનવિભાગનો સ્ટાફ રાત્રે અને દિવસે પેટ્રોલિંગ કરતો હોય છે. સામાન્ય વ્યકિત જંગલની દિવાલે પણ જઈ શકતો નથી તો આટલી મોટી પરપ્રાંતીય ટોળકી છેલ્લા કેટલાય સમયથી જંગલમાં આંટાફેરા કરતી હતી. ચંદનનાં વૃક્ષોની અગાઉ રેકી પણ કરી હોય તેવી શકયતાઓ છે. જંગલનાં અલગ-અલગ વિસ્તારોમાંથી કેટલાય ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરી નાખ્યું ત્યાં સુધી વનવિભાને તેની જાણ સુધ્ધા પણ ન થઈ જેથી વનવિભાગનાં દાવોઓ પર અનેક શંકાઓ ઉપજી છે.
મધ્યપ્રદેશમાંથી ચંદન ચોર ટોળકી સાસણનાં જંગલ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં દંગાઓ નાખી ઘણા સમયથી ચંદન ચોરી કરી રહ્યા હતા. વનવિભાગ દ્વારા જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાનાં કેટલાય વિસ્તારોમાંથી અલગ-અલગ આરોપીઓને પકડવામાં આવ્યા છે. ગઈકાલે પકડાયેલ ચંદન ચોર ટોળકીનો એક શખ્સ પકડાયા બાદ તેની ટોળકી વેરાવળ, કેશોદ અને ટ્રેનમાંથી પકડાઈ છે. હજુ પણ આ ટોળકીનાં કેટલાય શખ્સોને પકડવાનાં પણ બાકી છે. આ ટોળકી કેટલા સમયથી કયાં-કયાં વિસ્તારમાં ચંદનની ચોરી કરી રહી છે તે તમામ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે.
આભ ફાટયા બાદ થીગડા મારવા નિકળ્યા હોય તેમ હવે વનવિભાગ ટોળકીને પકડી મોટો મીર માર્યો હોય તેવો ડોળ કરી રહ્યું છે. આ સમગ્ર મામલે વનવિભાગનાં અધિકારી દાવો કરી રહ્યા છે કે, ચંદન ચોર ટોળકી ચેકપોસ્ટ પરથી નહી પરંતુ અન્ય જંગલનાં રસ્તાઓમાંથી ઘુસી અને ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરી નાખ્યું છે. કટીંગ કરેલા વૃક્ષો લઈ જાય તે પહેલા પકડાઈ ગયા છે. પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ચંદન ચોર ટોળકીનાં કબ્જામાંથી ૩૦ થી વધુ વૃક્ષોનાં થડ કબ્જે કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વનવિભાગ કોઈ સ્પષ્ટતા કરતું નથી અને દરેક મુદ્દે ગોળગોળ જવાબ આપી પોતાની કામગીરીની પ્રસંશામાં વ્યસ્ત બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
ચંદન ચોર ટોળકી પકડાતા વનવિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે. મધ્યપ્રદેશની ટોળકીને સાસણ તથા આસપાસનાં કયાં-કયાં વિસ્તારમાં ચંદનનાં કેટલા વર્ષ જુના વૃક્ષો આવેલા છે તેની પણ સંપુર્ણ માહિતી ટોળકી પાસે હોય તો જ તે વર્ષો જુના કિંમત થઈ ગયેલા વૃક્ષો સુધી પહોંચી તેનું કટીંગ કરે છે. વનવિભાગનાં પેટ્રોલિંગ, સીસીટીવી કેમેરા, ચેકપોસ્ટ, આરઆર ટીમ સહિતની તમામ કામગીરીઓ સઘન હોય તો કદાચ આવી ઘટના ન બને. પરંતુ માત્ર સબ સલામતનાં દાવા કરવામાં વ્યસ્ત વનવિભાગનું ચંદન ચોર ટોળકીએ નાક કાપી નાખ્યું હોય તેવી સ્થિતિ થઈ છે.