Gujarat

કઠલાલના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલની અંતિમયાત્રા માનવ મહેરામણ ઉમટયો

By GS TEAM
19 Jun 20252 mins read
કઠલાલના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલની અંતિમયાત્રા માનવ મહેરામણ ઉમટયો

- અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા

- અગાઉ મૃતદેહ લીધા વગર પરિવારને પરત ફરવું પડયું હતું : પુત્રએ પિતાને મુખાગ્નિ આપી

કઠલાલ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા કઠલાલના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલનો પાર્થિવદેહ પરિવારને સોંપ્યા બાદ આજે કઠલાલ ખાતે તેઓની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

અમદાવાદ પ્લેન ક્રેશમાં કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત દિલીપભાઈ પટેલ મૃત્યુ પામ્યા હતા. ત્યારે ગુરૂવારના રોજ મોડી રાત્રે તેઓના પુત્ર કૃષ્ણ દ્વારા ડીએનએ ટેસ્ટ આપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા શનિવારના રોજ ડીએનએ ટેસ્ટ મેચ થયાનું જણાવ્યું હતું. જેથી તેઓના સગા- સંબંધી મૃતદેહ લેવા માટે અમદાવાદ ગયા હતા પરંતુ, ડીએનએ મેચ ન થતા પ્રશાંત પટેલના પુત્ર કૃષ્ણનો ફરી ડીએનએ ટેસ્ટ લીધા બાદ પરિવારજનોને પરત ફરવું પડયું હતું. ત્યારબાદ ચાર દિવસ બાદ ગતરોજ  સાંજના સમયે પરિવારજનોને જાણ કરાઈ હતી કે, ડીએનએ મેચ થયેલા છે. ત્યારે આજરોજ વહેલી સવારે પરિવારજનોને વહીવટી તંત્રએ મૃતદેહને પુરા સન્માન સાથે સોંપવામાં આવ્યો હતો. મૃતદેહ સોંપતી વેળાએ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. કઠલાલ નગરમાં મૃતદેહ આવતા જ ગમગિની છવાઈ ગઈ હતી. ત્યારે કઠલાલના પ્રશાંત પટેલના નિવાસ સ્થાનેથી સવારે ૯ કલાકે અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે અંતિમયાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કઠલાલ સ્મશાનગૃહ ખાતે પુત્ર કૃષ્ણએ મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમયાત્રામાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.