Get The App

શિલાન્યાસની તકતીને આરઝી હુકુમત સ્તંભ સમજી CMના હસ્તે પૂજન કરાવાશે!

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
શિલાન્યાસની તકતીને આરઝી હુકુમત સ્તંભ સમજી CMના હસ્તે પૂજન કરાવાશે! 1 - image

આવતીકાલે જૂનાગઢના આઝાદી દિવસ નિમિત્તે : સરદાર પટેલના 150મા જન્મ જયંતી વર્ષે ઝાકમઝોળ : પણ આરઝી હુકુમતના સેનાનીઓનાં સ્મારક અને સરદારની પ્રતિમાનાં નિર્માણ પ્રત્યેની ઉપેક્ષા યથાવત

જૂનાગઢ, :  તા. 9 નવેમ્બરના જૂનાગઢના આઝાદી દિવસ અને સરદાર પટેલ જયંતી વર્ષ નિમિત્તે ઝાકમઝોળનું આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડમાં 1997માં આરઝી હુકુમત સ્મારકની શિલાન્યાસ કરાયેલી તકતીને સ્તંભ સમજી મુખ્યમંત્રીને પૂજન કરાવાશે. સરદારની પ્રતિમા અને આરઝી હુકુમતના સેનાનીઓની યાદમાં સ્મારક બનાવવાની બાબતની હજુ પણ ઉપેક્ષા થઈ રહી છે.9 નવેમ્બરના જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી થશે. આ દિવસે સરદાર પટેલની 150 જન્મજયંતી વર્ષ નિમીતે રાજ્યવ્યાપી એકતા પદયાત્રાનો પ્રારંભ થશે. જૂનાગઢની આઝાદી સરદાર પટેલને આભારી છે. સરદાર પટેલની પ્રતિમા અને આરઝી હુકુમતના સેનાનીઓની યાદમાં ૯ નવેમ્બર ૧૯૯૭માં બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડમાં શિલાન્યાસ વિધિ થઈ હતી, ત્યારબાદ કોઈ કામગીરી થઈ નથી. દર વર્ષે શિલાન્યાસ કરાયેલી તકતીને આરઝી હુકુમત સ્તંભ સમજી પૂજન કરી આઝાદી દિવસની ઉજવણીનો સંતોષ માનવામાં આવે છે. આ વર્ષે સરદાર પટેલ એકતા યાત્રાના પ્રારંભ નિમિત્તે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી આ વખતે પણ શિલાન્યાસ કરાયેલી તકતીને આરઝી હુકુમત સ્તંભ સમજાવી સી.એમ.ને પણ તેનું પૂજન કરાવવામાં આવશે.

નેતાઓ અને અધિકારીઓ શિલાન્યાસ થયો એ વર્ષ એટલે કે 1997થી દર વર્ષે 9 નવેમ્બરના આરઝી હુકુમત સ્મારક અને સરદાર પટેલની પ્રતિમાના નિર્માણની હૈયા ધારણા આપી જતા રહે છે, બાદમાં કઈ થતું નથી.

સરકાર અને તંત્ર રાજ્યવ્યાપી સરદાર પટેલ એકતાયાત્રાના નામે રેલી યોજી અન્ય ઝાકમઝોળ કરશે પરંતુ  જૂનાગઢની આઝાદી માટે યોગદાન આપનાર સેનાનીઓ તેમજ જેના કારણે જૂનાગઢને આઝાદી મળી એ સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ અંગે ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે ત્યારે આ બાબતે અનેક સવાલ ઉઠી રહ્યા છે આ વખતે મુખ્યમંત્રી 9 નવેમ્બરના જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે વધુ એક વાર આ બાબતે ખાતરી અને વાતો થાય એવી સંભાવના છે ત્યારે આગળ શું થાય છે એ જોવું રહ્યું.