કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ કહે છે, દેશમાં હાલ જે રીતે શાસન ચાલી રહ્યું છે તે પ્રમાણે લોકશાહી પર ખતરો
2024ની ચૂંટણી પૂર્વે પાર્લામેન્ટ્રી અને કેબિનેટ સિસ્ટમને બદલે બીજા પ્રકારની સત્તા લાવવાની દિશામાં કામ ચાલતું હોય તેવી આશંકા
વડોદરા, તા. 27 માર્ચ 2023 સોમવાર
રાહુલ ગાંધીની સંસદમાંથી સદસ્યતા રદ કરવામાં આવતા દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજરોજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને અત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલ દેશમાં જે રીતે શાસન ચાલી રહ્યું છે તે પ્રમાણે લોકશાહી પર ખતરો છે અને ચિંતા નો વિષય બન્યો છે.
મોંઘવારી, બેરોજગારી, અન્યાય ,ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે લડત ચલાવતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ અદા કરતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરી, કનડગત કરી જે રીતે દોષારોપણ કરવામાં આવે છે તેમાં રાહુલ નો શું વાંક અને તેમણે શું ખોટું કર્યું તે સવાલ કરતા કહ્યું હતું કે દેશમાં બદનક્ષીના બીજા અસંખ્ય કેસ છે, તેની સરખામણીમાં રાહુલ ગાંધીના કિસ્સામાં જલ્દી સુનાવણી, બે વર્ષની સજા, 24 કલાકમાં જ સાંસદનું પદ રદ કરવા સહિતની ઝડપી પ્રક્રિયા કરવામાં આવી તેની પાછળનું કારણ શું ?આજે અંગ્રેજો કરતાં પણ દેશ ખરાબ રીતે ચાલે છે, અને લોકો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધી વ્યક્તિગત નહીં પણ લોકોના બંધારણના હક માટે, લોકોના આર્થિક હક માટે અને લોકશાહી ખાતર લડત ચલાવે છે, ત્યારે તેમની સામે જે કાર્યવાહી કરાઈ છે તે લીગલ નહીં પણ રાજકીય છે એવો આક્ષેપ કર્યો હતો, અને ઉમેર્યું હતું કે કોંગ્રેસના શાસનથી જ દેશમાં આજે લોકશાહી બરકરાર રહી છે. સરકાર જે રીતે શાસન ચલાવી રહી છે તે સામે લોકોમાં જે જન આક્રોશ છે તેનું પ્રથમ પરિણામ કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળશે એમ તેમણે કહ્યું હતું. પ્રજાનું માઈન્ડ ડાયવર્ટ કરવાની આ વાત છે, અને 2024 ની લોકસભાની ચૂંટણી પૂર્વે પાર્લામેન્ટ્રી અને કેબિનેટ સિસ્ટમને બદલે બીજા પ્રકારની સત્તા લાવવાની દિશામાં કામ ચાલતું હોય તેવી આશંકા વ્યક્ત કરીને તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ પ્રકારના કૃત્ય લોકશાહી માટે વાજબી છે કે કેમ તે હવે લોકોએ વિચારવું પડશે.