શ્રી ખોડલધામ મંદિરનો આજે પંચવર્ષીય પાટોત્સવ ઉજવાશે
મંદિરમાં ખોડલ માતા સહિત 21 માતાજીઓની દિવ્ય પ્રતિમા 10,008થી વધુ સ્થળે LED સ્ક્રીન પર, ટીવી ચેનલોમાં જીવંત પ્રસારણઃ દેશવિદેશના લાખો લોકો ઓનલાઈન જોડાશે
રાજકોટ, : ગોંડલ નેશનલ હાઈવે પર રાજકોટથી 60 કિ.મી.ના અંતરે આવેલ, લાખો લેઉઆ પાટીદાર તથા અન્ય સમાજના પણ આસ્થા કેન્દ્ર એવા ભવ્ય અને દિવ્ય ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ આવતીકાલ તા. 21 જાન્યુઆરીએ ઉજવાશે. કોરોના સ્થિતિના પગલે મહાસભા મોકુફ રખાઈ છે અને તેથી એક કુંડી મહાયજ્ઞા, ધ્વજારોહણ મહાઆરતી અને લેઉઆ પાટીદાર સમાજના મોભી નરેશ પટેલનો સમાજ જોગ સંદેશાનું સવારે 9થી 10દેશ-વિદેશમાં જીવંત પ્રસારણ કરાશે .
ખોડલધામ ટ્રસ્ટે જણાવ્યા મૂજબ સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં અને ગુજરાત બહાર મહારાષ્ટ્ર,રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેંગ્લોર તથા વિદેશોમાં યુએસએ, યુકે, સિંગાપોર, કેન્યા, ઝામ્બિયા આફ્રિકાના દેશોમાં 10,008થી વધુ સ્થળોએ મા ખોડલની આરતી એક સમયે યોજાશે. ધાર્મિક ટી.વી.ચેનલોમાં તેનું લાઈવ પ્રસારણ પણ થશે.
ખોડલધામ મંદિર સમાજની એકતાનો ગૌરવવંતો ઈતિહાસ ધરાવે છે. તા. 21-1-2017ના મંદિર દર્શનાર્થે ખુલ્લુ મુકાયું ત્યારે પાંચ દિવસ ચાલેલા કાર્યક્રમમાં રાજકોટથી ખોડલધામ 21,117 વાહનો શોભાયાત્રામાં જોડાયા તે વિશ્વવિક્રમ છે, એક દિવસે સૌથી વધુ 5,09,261 લોકોએ સમુહમાં રાષ્ટ્રગાન કર્યું હતું, આવા અનેક વિશ્વવિક્રમો આ મંદિર ખાતે છે. શીલારોપણ વખતે 11 લાખ લોકો એકત્ર થયા હતા. આ વખતે પાટોત્સવમાં લાખોની મેદની ભેગી થનાર હતી પરંતુ, કોરોના કાળને ધ્યાને લઈને મહાસભા મોકુફ રાખવા નિર્ણય લેવાયો છે જેનું આયોજન હવે સમય-સ્થિતિ જોઈને ભવિષ્યમાં કરાશે.