Get The App

શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે

આઇઓસીના ધારાધોરણો મુજબ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં વિવિધ ગેમો ઉપરાંત ઓપન પાર્ટી પ્લોટ પણ તૈયાર કરાશે

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે 1 - image

વડોદરા, તા.15 શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં વિકાસ માટે પાણી, રોડ, ડ્રેનેજ, વરસાદી કાંસ, બાગ બગીચા, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુવેઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ તેમજ પીએમ આવાસની કામગીરી કરવામાં આવે છે પરંતુ સ્પોર્ટસની પ્રવૃત્તિને વેગ મળે તેવું કોઇ આયોજન હાથ ધરાયું ન હતું. જો કે હવે વુડા પ્રથમ વખત આ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાનપુર-અંકોડીયા ખાતે વિશાળ જગ્યામાં આઉટડોર અને ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ શરૃ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાનપુર-અંકોડીયામાં ટીપી સ્કીમોના કારણે મોટી સંખ્યામાં ડેવલોપમેન્ટના કામો થઇ રહ્યા છે. મોટા બંગ્લોઝની સાથે ઊંચી કિમતના ફ્લેટોનું પણ નિર્માણ થઇ રહ્યું છે અને આ વિસ્તારમાં પણ લોકો મોટી સંખ્યામાં રહેવા આવી રહ્યા છે. આ વિસ્તારમાં રમત ગમત સંકુલ નહી હોવાના કારણે અહી રહેતા લોકોની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની માંગણી હતી જેના  પગલે વુડા દ્વારા ફાઇનલ ટીપી ખાનપુર-અંકોડીયા ટીપી સ્કીમ નંબર-૨ના ત્રણ પ્લોટમાં૧૪૮૦૮૮ ચોરસફૂટ જગ્યામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાનું નક્કી કરાયું છે.

આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં આઉટ ડોર, ઇન ડોર વગેરે રમતોનું પણ આયોજન કરાશે. રમતોમાં મુખ્યત્વે ટેનિસ કોર્ટ (સિન્થેટિક અને લાલ માટી), બિલિયર્ડસ, સ્વિમિંગપુલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્ક્વેશ કોર્ટ, કેરમ, ચેસ, યોગા તથા ઓપન પાર્ટી પ્લોટનો સમાવેશ કરાયો છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટો પણ યોજાઇ શકશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ધારાધોરણો મુજબ ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે વુડા દ્વારા કુલ રૃા.૭૩ કરોડનો ખર્ચ કરાશે. આજે સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરાયું હતું.