Gujarat

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 4 માસમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 776.22 કરોડ થયું

By GS TEAM
24 Aug 20252 mins read
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 4 માસમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 776.22 કરોડ થયું

- ભાવનગર સીજીએસટી કમિશનરેટ એરિયામાં 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે

- નાણાકિય વર્ષ 2024-25 ના પ્રથમ 4 માસમાં કલેક્શન રૂ. 706.39 કરોડ હતું, 2024-25 માં સીજીએસટી કલેક્શન રૂ. 1968.63 કરોડ થયું હતું

ભાવનગર : ભાવનગર સીજીએસટી કમિશનરેટ એરિયા હેઠળ આવતા કુલ સાત જિલ્લાઓમાંથી સેન્ટ્રલ જીએસટી વિભાગે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ ચાર માસના સમયગાળામાં કર સ્વરૂપે રૂ.૭૭૬.૨૨ કરોડનું જીએસટી કલેક્શન કર્યું છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના આ જ સમયગાળામાં રૂ.૭૦૬.૩૯ કરોડનું સેન્ટ્રલ જીએસટી કલેક્શન થયું હતું.

ભાવનગરના ઉદ્યોગ ધંધામાં એક તરફ મંદી પ્રવર્તેલી છે બીજી તરફ જીએસટી સ્વરૂપે કરોડોની કમાણી સરકાર ભાવનગરમાંથી કરી રહી છે. ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે ગત નાણાંકીય વર્ષમાં કુલ રૂ.૨૨૫૧ કરોડનું જીએસટી કલેક્શન ભાવનગર ડિવિઝનમાં કર્યું હતું. બીજી તરફ સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ, ભાવનગરમાંથી પણ સરકારે કરોડો રૂપિયાનું રાજસ્વ મેળવ્યું. ભાવનગર સીજીએસટી કમિશનરેટ હેઠળ આવતા ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી સેન્ટ્રલ જીએસટી ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ચાર માસ એપ્રીલ, મે, જુન અને જુલાઈ દરમિયાન કુલ રૂ.૭૭૬.૨૨ કરોડનું જીએસટી કલેક્શન કર્યું છે. જેમાં સૌથી વધારે એપ્રીલમાં ૨૮૦.૮૭ અને સૌથી ઓછું જુલાઈમાં રૂ.૧૫૩.૬૬ કરોડનું કલેક્શન થયું છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ચાર માસ એપ્રીલ, મે, જુન અને જુલાઈ દરમિયાન રૂ.૭૦૬.૩૯ કરોડનું જીએસટી કલેક્શન થયું છે. ઉપરાંત ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભાવનગરમાં સીજીએસટી કલેક્શન રૂ.૧૯૬૮.૬૩ કરોડ થયું હતું. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી સેન્ટ્રલ જીએસટી કલેક્શનમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 3 નાણાંકીય વર્ષનું સીજીએસટી કલેક્શન (કરોડમાં)

વર્ષ

રકમ રૂ.

૨૦૨૨-૨૩

૧૯૧૬

૨૦૨૩-૨૪

૧૯૨૨

૨૦૨૪-૨૫

૧૯૬૮