Get The App

રાત્રે બે વાગ્યે ટ્રકમાં લાગેલી આગને બુઝાવાઈ ત્યાં 15 કલાક બાદ ફરી એ જ ટ્રક સળગી

Updated: Mar 9th, 2025

GS TEAM

Google News
Google News
રાત્રે બે વાગ્યે ટ્રકમાં લાગેલી આગને બુઝાવાઈ ત્યાં 15 કલાક બાદ ફરી એ જ ટ્રક સળગી 1 - image

24 કલાકની અંદર કચ્છમાં આગના ત્રણ બનાવો

પીજીવીસીએલ કચેરીની અંદર ઝાડી ઝાખરામાં લાગેલી આગથી વેસ્ટ કેબલ સળગ્યા, લુણવામાં પણ શોર્ટ સર્કિટથી રહેણાંક મકાનમાં ઘરવખરી બળીને ખાખ

ભુજ: માર્ચ મહિનાના આરંભ સાથે જ કચ્છમાં પણ આગના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે કચ્છમાં ૨૪ કલાકમાં આગના ત્રણ બનાવો બન્યા હતા. ભુજમાં આગના બે બનાવો બન્યા હતા. આશ્ચર્ય વચ્ચે શહેરના એરપોર્ટ પાસે મોડી રાત્રે ટ્રકમાં લાગેલી આગ ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો તે વચ્ચે ફરી ૧૫ કલાકમાં સળગેલી ટ્રકમાં ફરી આગ લાગતા એરફોર્સના ફાયર બ્રિગેડ દોડતું થયું હતું અને આગને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત આજે બપોરે ભુજમાં પીજીવીસીએલ ઓફિસની અંદર ઝાડી ઝાખરામાં આગનો બનાવ  બન્યો હતો તો આગનો ત્રીજો બનાવ ભચાઉના લુણવા ગામે શોર્ટ સર્કિટથી રહેણાંક મકાનમાં બન્યો હતો.

ભુજમાં એરફોર્સ રોડ પર ગત મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં  ટ્રક નં.જી.જે.૧૨ બી.ઝેડ.૩૩૫૧માં આગ લાગી હતી. જેને બુઝાવવા ભુજ ફાયર ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. મીઠા ભરેલા ટ્રકમાં આગ લાગતા એરફોર્સ વિસ્તારમાં ચિંતા પ્રસરી હતી. તો નવાઈની વાત એ છે કે, રાત્રીના બે વાગ્યાના અરસામાં લાગેલી આગને બુઝાવાઈ હતી પરંતુ આજે પુનઃ સાંજે પાંચ વાગ્યાના અરસામાં ફરી એ જ ટ્રકમાં આગ લાગી હતી. જેના પગલે આગને કાબુમાં લેવા નજીકમાંથી એરફોર્સ ના ફાયર બ્રિગેડને દોડી આવવું પડયું હતું. આગ લાગવા પાછળનું કારણ જણાવતા સચિનભાઈ પરમારે જણાવ્યું હતું કે, ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા હોવાથી ટ્રકમાં હીટ વધી ગઈ હતી. જેના કારણે આગ લાગી હતી.

આગનો બીજો બનાવ આજે બપોરના ૨ વાગ્યાના અરસામાં ભુજ શહેરની વચ્ચોવચ્ચ પીજીવીસીએલ કચેરીની અંદર જાડી- ઝાખરામાં પડેલા વેસ્ટ કેબલમાં આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી હતી. ભુજ ફાયર વિભાગને તાબડતોબ પહોંચીને આગને વધુ પ્રસરતા અટકાવી હતી. પીજીવીસીએલ કચેરીમાં આગનો બનાવ ગંભીર હોઈ તંત્રમાં ચિંતા પ્રસરી હતી. આ ઉપરાંત આગનો ત્રીજો બનાવ ભચાઉ તાલુકાના લુણવા ગામે બન્યો હતો. જયાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભચાઉ ફાયર ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને આગને ઓલાવી હતી. આમ, છેલ્લા ૨૪ કલાકની અંદર આગના ત્રણ બનાવો બન્યા હતા.