Get The App

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ

આગ હોલવવા બાજુના મકાનના ધાબા ઉપરથી ફાયર જવાનો દુકાનમાં પ્રવેશ્યા

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે  રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ 1 - image

     

  અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ ઘીકાંટા પંચભાઈની પોળ પાસે આવેલી રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં મંગળવારે બપોરે ચાર કલાકના સુમારે ભીષણ આગ લાગતા આગના પગલે સાંકડા એવા રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના ટોળાને ફાયર વિભાગે સ્થળ ઉપરથી દુર કરવા પડયા હતા. બે માળના બિલ્ડિંગના બીજા માળે રુચિર ગાર્મેન્ટ અને ટેલરીંગની દુકાનમાં લાગેલી આગ હોલવવા ફાયર વિભાગે સીડીની મદદ લીધી હતી. એક ટીમ બાજુના મકાનના ધાબા ઉપર ગઈ હતી જયાંથી દુકાનમાં પ્રવેશી આગ હોલવી હતી.

ઘટના અંગે ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બપોરે પંચભાઈની પોળ પાસે આવેલી દુકાનમા આગ લાગી હોવાનો કોલ મળતા જ ચાર ફાયર ફાઈટર સાથે સ્ટેશન ઓફિસર અને વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અતિ ગીચ એવા આ રોડ ઉપર એકઠા થયેલા લોકોને દુર કરી વિભાગ તરફથી આગ હોલવવાની કામગીરી શરૃ કરવામા આવી હતી. કોલ એટેન્ડ કરનારા ફાયર અધિકારીના કહેવા મુજબ, બે માળના બિલ્ડિંગમાં બીજા માળ ઉપર આવેલી દુકાનમા લાગેલી આગ બંને ફલોર ઉપર ફેલાઈ ગઈ હતી. આ કારણથી આગને ઝડપથી કાબૂમા લેવા માટે એક ટીમને બાજુના બિલ્ડિંગમા આવેલા ટેરેસ ઉપર મોકલી દુકાનમા પ્રવેશ કરાવીને કામગીરી કરાવવી પડી હતી.આગ લાગવા પાછળ પ્રાથમિક કારણ શોટ સરકીટ હોવાનુ ફાયર વિભાગ તરફથી કહેવામા આવ્યુ છે. જે દુકાનમા આગ લાગી હતી તે દુકાનમા ફાયર એન.ઓ.સી. નહોતી. લગભગ બે કલાકથી વધુના સમયની જહેમત પછી ફાયર વિભાગે આગને સંપૂર્ણ કાબૂમા લીધી હતી.દુકાનમા રાખવામા આવેલ રેડીમેઈડ ગાર્મેન્ટનો જથ્થો આગમાં ખાખ થયો હતો.

ચીફ ફાયર ઓફિસર આગના કોલ સમયે ફોન રીસીવ કરતા જ નથી

અમદાવાદ ફાયર વિભાગમાં અત્યારસુધી આગ કે અન્ય કોઈ આકસ્મિક દુર્ઘટના સમયે ચીફ ફાયર ઓફિસર મિડીયા સાથે સતત સંપર્કમા રહેતા હતા.હાલના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે શહેરમા આગ લાગવાના બનાવ બને ત્યારે ફોન રીસીવ જ કરતા નથી.જયારે ફાયર કંટ્રોલમાં પણ આગના બનાવને લઈ કોઈ ચોકકસ માહીતી મળતી જ નથી.