ભાટીયા ટોલપ્લાઝા સામે બિનરાજકીય રીતે આક્રમકતાથી લડત ચાલુ રહેશે
રોજગારી, પર્યાવરણ અને મંદીના માહોલમાં લૂંટવાનું કામ થઇ રહ્યું છે તે ચલાવી નહીં લેવાયઃ ઇચ્છાપોરમાં બેઠક મળી
કોંગ્રેસ-ભાજપ, સહકારી-સામાજિક આગેવાનોનું આહ્વાન
સુરત,તા.23 ફેબુ્આરી,2020, રવિવાર
રોજગારી, પર્યાવરણ અને સાથો સાથ આજની મંદીના સમયમાં સુરત શહેર અને જિલ્લાના લોકોને જ્યાં લૂંટવાનું કામ થઇ રહ્યું છે તે ભાટીયા ટોલ પ્લાઝા વિરુદ્વ બિનરાજકીય આક્રમકતાથી લડત ચલાવવાનું રવિવારની ઇચ્છાપોર ખાતે મળેલી બેઠકમાં હાજર કોંગ્રેસ- ભાજપ અને સામાજિક-સહકારી આગેવાનોેએ આહ્વાન કર્યું હતુ.
ભાટીયા ટોલપ્લાઝા વિરુદ્વની લડતમાં રવિવારે ચોર્યાસીના ઇચ્છાપોર ખાતે મળેલી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય ધનસુખ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, સુરત શહેર અને જિલ્લાના નાગરિકો સાથે જે અન્યાય થઇ રહ્યો છે, તે કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. રોજગારી, પર્યાવરણ અને સાથે સાથ આજની મંદીના સમયમાં લોકોને જે લૂંટવાનું કામ થઇ રહ્યું છે, તેની સામે આક્રમકતાથી બિનરાજકીય આંદોલનને લોકહિતમાં આગળ વધારીશું. હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળીના પ્રમુખ છોટુ પટેલે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસથી બિનરાજકીય લડત ચાલી રહી છે. લોકોના હિત માટે રજુઆત કરવાથી સમાજને જ ફાયદો થાય છે. આવી લોકહિતની લડતમાં જયાં સુધી સફળતા પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી અમો લડતમાં સાથે ઉભા રહીશું. મુકેશ ડેમીએ જણાવ્યું કે, કાંઠા વિસ્તારમાં યુવાનોને રોજગારી મળતી નથી. કંપનીમાં શોષણ થાય છે. સ્થાનિકો જયારે વાહનો દ્વારા રોજગારી મેળવવાનું કામ કરે છે, ત્યારે આવી રીતે ટોલ ટેકસ ઉધરાવવામાં આવે તે કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાઇ નહીં. આવતીકાલ સોમવારે મહુવા તાલુકાના મીયાપુર ગામે અને તા.26 ના રોજ ઉન ખાતે શહેરી વિસ્તારના નાગરિકો સાથે બેઠક મળશે.