Gujarat

આદ્યશક્તિની આરાધનાના પર્વ નોરતાનો કાલથી પ્રારંભ : સૌરાષ્ટ્રમાં રાત પડતા જાણે દિવસ ઉગશે

By GS TEAM
20 Sep 20252 mins read
આદ્યશક્તિની આરાધનાના પર્વ નોરતાનો કાલથી પ્રારંભ : સૌરાષ્ટ્રમાં રાત પડતા જાણે દિવસ ઉગશે

સુરજના તેજ તપ્યાં, ચંદ્ર કિરણ હૈયે વસ્યા, તારલિયા ટમટમ્યા રે.. માડી તારા આવવાના એંધાણ થયા : ગરબીની બાળાઓ ગરબે ઘુમવા સજ્જ, ખેલૈયાઓમાં અપાર ઉત્સાહ : માઈ મંદિરોને અનેરા શણગાર : તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ, : માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નોરતાનો તા. 22ને સોમવારથી પ્રારંભ થશે. માઈ મંદિરોને અનેરા શણગાર થઈ રહ્યાં છે. માની ભક્તિ કરશે, તો ભાવિકો ઉપવાસ, પૂજા - પાઠ, અનુષ્ઠાન થકી માંની આરાધના કરશે. સૌરાષ્ટ્ર ભરમાં ગરબીઓ, અર્વાચીન રાસના આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સર્વત્ર નવરાત્રીની ઉજવણી માટે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

ધોરાજીમાં ખરાવડ પ્લોટ ખાડિયા વિસ્તારમાં બજરંગ ગ્રુપ દ્વારા ભુલકા ગરબી છેલ્લાં 23 વર્ષથી નિ:શુલ્ક યોજાઈ રહી છે. આ વર્ષે ગરબીના ૨૪માં વર્ષે 1100થી વધુ બાળકો ગરબે રમશે. આ ગરબીમાં 3 થી 10 વર્ષ સુધીના જ બાળકોને પ્રવેશ અપાય છે. ગરબી ખરાવાડ પ્લોટ ખાતે રાત્રે તા. 22મીથી તા. 1 ઓકટોબર સુધી 9થી 11.30 દરમિયાન યોજાશે. રાજુલામાં જય માતાજી ગ્રુપ દ્વારા  જય માતાજી ગ્રાઉન્ડમાં ફક્ત બહેનો માટે નિ:શુલ્ક નવરાત્રી ઉત્સવ ઉજવાશે, દરેક ઉંમરની બહેનો ગરબે રમી માતાજીની આરાધના કરશે.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. 24થી 26 સુધી ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન ન્યુ પેલેસ, મોરબી ૨ ખાતે કરવામાં આવ્યું છે. સમાજના બહેન દીકરીઓ સમાજની પરંપરા અનુસિાર રાસ ગરબા લઈ શકે તેવા હેતુથી નવરાત્રીનું આયોજન કરાયું છે. ખંભાળિયામાં કાનાણી પરિવારના કુલદેવી સિંધવી માતાજીના મંદિરે નવરાત્રી ઉજવાસે. તા. 22મીએ ઘટસ્થાપન, માતાજીનું પૂજન, આરતી, ધ્વજારોહણ થશે. રોજ રાત્રે 10 વાગ્યાથી ગાયત્રી ગરબી મંડળની ગરબી યોજાશે. તા. 30નાં મતાજીનો હવન યોજાશે.