- વૌઠા તરફ જતાં મોટા વાહનોને ડાયવર્ઝન અપાયું
- સાબરમતી નદીમાં ઉપરવાસના પાણી છોડવામાં આવતાં સ્નાનગૃહનો ઉપયોગ કરવા સૂચના
બગોદરા : સુપ્રસિદ્ધ વૌઠાના લોકમેળાનો કાર્તિકી અગિયારસના રોજ ભવ્ય પ્રારંભ થયો છે. ધોળકા તાલુકાના વૌઠા ગામે, સાત નદીઓના પવિત્ર સંગમ સ્થાને યોજાતા મેળાનું સાધુ-સંતોના હસ્તે રિબિન કાપીને વિધિવત રીતે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વરસાદી માહોલ અને ઉપરવાસમાંથી પાણી છોડવાના વિઘ્ન વચ્ચે પણ ભાવિકોનો ઉત્સાહ ઓછો થયો નથી.
વૌઠાનો મેળાનું ૬ઠ્ઠી નવેમ્બર, પૂનમના રોજ સમાપન થશે. સપ્તનદી સાબરમતી, હાથમતી, ખારી, મેશ્વો, વાત્રક, શેઢી, માઝમના સંગમના કારણે આ સ્થળે સ્નાન કરવું ગંગામાં સ્થાન કરવા બરાબર છે. મેળામાં ફાયર વિભાગ, આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું, ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા અને મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ મહિલા ટીમની ટીમ પણ તૈનાત છે. તેમજ મેળામાં જ ગ્રામ પંચાયતની ઓફિસ અને યાત્રાળુઓની ફરિયાદના તાત્કાલિક નિવારણ માટે એક હંગામી પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે.
કમોસમી વરસાદના કારણે પાર્કિંગ સ્થળે પાણી ભરાઇ જતાં પ્રાઇવેટ વાહનને બદલે એસટી બસનો ઉપયોગ કરવા શ્રદ્ધાળુઓને આહ્વાન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં ઉપરવાસના પાણી છોડવામાં આવતાં નદી કિનારે સ્નાન ન કરવા અને પંચાયત દ્વારા ખાસ બનાવવામાં આવેલા સલામત સ્નાન ગૃહનો ઉપયોગ કરવા કડક સૂચના આપવામાં આવી છે.
વૌઠા મેળો શરૂ થતા વૌઠા તરફ જતા ભારે વાહનો ખેડા તથા તારાપુર ચોકડીથી ડાયવર્ટ અપાયું છે. તારાપુર ચોકડી તરફથી અન્ય માર્ગ લેવાનો રહેશે. પાલ્લા બ્રિજથી લીંબાસી જતાં વાહનોને છ દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં પાલ્લાથી વૌઠા તરફ આવતા મોટા વાહનો સહીજ પાટિયાથી વૌઠા વિરપુરથી લીંબાસી તારાપુર તરફ જવાના રસ્તા ઉપર ભારે વાહનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાલાથી વૌઠા તરફ જતા ભારે વાહનો ખેડા તથા તારાપુર ચોકડી થી ડાયવર્ટ કરવામાં આવશે તારાપુર ચોકડી તરફથી અન્ય માર્ગ લેવાનો રહેશે.


