નામચીન ચંપુ વીંછિયા બે હથિયારો સાથે રાજકોટથી ઝબ્બે
- ગુજસીટોક સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ અમરેલી પંથકનો
- હથિયાર સપ્લાયર તરીકે સાવરકુંડલાના જોરૂ ખુમાણ અને ગુજસીટોકમાં વોન્ટેડ અશોક બોરીચાનું નામ ખૂલ્યું
રાજકોટ, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર
ખૂન કેસમાં આજીવન કેદની સજા પડયા બાદ પેરોલ જમ્પ કરી છેલ્લા ચાર વર્ષથી ફરાર અમરેલીના લીલિયા તાલુકાના નાનાલીલિયા ગામે રહેતા નામચીન ચંપુ બાબાભાઈ વીંછિયા (ઉ.વ.૪૦) ને રાજકોટની ક્રાઈમ બ્રાંચે બે હથિયાર એ છ જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. ચંપુ રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થવાના, ફાયરીંગ કરી ખૂનની કોશિશ કરવાના અને અમરેલી જિલ્લા પોલીસમાં નોંધાયેલા ગુજસીટોક સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ હતો.
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી. કે. ગઢવી, પીએસઆઈ ધાખડા અને પીએસઆઈ જેબલિયાએ ચોક્કસ બાતમીના આધારે ચંપુને રાજકોટ-ભાવનગર હાઈ-વે પર રંગુન માતાજીના મંદિર નજીકથી દેશી બનાવટની રીવોલ્વર, દેશી બનાવટની પિસ્તોલ, બંને હથિયારના છ કાર્ટિસ સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
૨૦૧૧ની સાલમાં સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે પૈસાની લેતીદેતી બાબતે ભરત ડાયાભાઈ લહેરીની હત્યા અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાયેલા ગુનામાં ચંપુને ૨૦૧૩ની સાલમાં આજીવન કેદની સજા થઈ હતી. તેને રાજકોટ જેલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તે ગઈ તા.૧૮/૫/૨૦૧૬ના રોજ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો.
ફરાર રહ્યાના સમય દરમિયાન તેણે સાવરકુંડલા તાલુકાના ઓડિયા ગામ પાસે મેહુલ મોહનભાઈ સગપરીયા અને તેના ભાગીદાર ધીરૂભાઈ ખુમાણ સાથે પોતાના મિત્ર શિવા વાલાભાઈને અગાઉ પૈસા બાબતે થયેલી તકરારને કારણે શિવા વગેરે સાથે મળી કારમાં ધસી જઈ ફાયરીંગ કર્યા અંગે સાવરકુંડલા પોલીસ મથકમાં ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો આચર્યો હતો. જેમાં પણ તે ફરાર હતો.
સાવરકુંડલા તાલુકા અને આજુબાજુના વિસ્તારમાં સંગઠિત ગુના આચરતી ટોળકી વિરુદ્ધ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પણ તે ફરાર હતો. ગુજસીટોક હેઠળ કુખ્યાત શિવરાજ ઉર્ફે મુન્ના રામકુ વીંછિયા, શૈલેષ નાથાભાઈ ચાંદુ, અશોક જયતાભાઈ બોરીચા, સોનલ ડાંગર વગેરે સામે પણ ગુનો નોંધાયો હતો.
આ રીતે ત્રણ-ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે બંને હથિયારો સાવરકુંડલાના જોરૂ ખુમાણ અને ગુજસીટોકમાં તેની સાથે વોન્ટેડ અશોક બોરીચા પાસેથી મેળવ્યાની કબૂલાત આપ્યાનું ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું. સ્વબચાવ માટે બંને હથિયારો રાખ્યાનો કક્કો હાલ ઘૂટી રહ્યો છે. આવતીકાલે તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.