તિરંગા યાત્રા પૂર્વે હરણી બોટકાંડના પીડિત પરિવારને નજર કેદ કરાયો
અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પીડિત પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો
વડોદરા,હરણી બોટકાંડમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી પીડિત પરિવારોમાં ભારે અસંતોષ છે. આજે તિરંગા યાત્રા દરમિયાન કોઇ વિરોધ પ્રદર્શન ના થાય તે માટે તકેદારીના પગલા રૃપે પીડિત પરિવારને નજર કેદ કરવામાં આવ્યો હતો.
આજવા રોડ ટાઉન હોલ ખાતે જ્યારે મુખ્યમંત્રી સ્ટેજ પરથી ભાષણ કરી રહ્યા હતા. તે સમયે જ હરણી બોટકાંડમાં બાળક ગુમાવનાર બે મહિલાઓ એકદમ ઉભી થઇને રજૂઆત કરવા લાગતા હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. આજે તિરંગા યાત્રા દરમિયાન પણ આ પીડિત પરિવારો કોઇ વિરોધ પ્રદર્શિત ના કરે તે માટે તેઓને ઘરમાં જ નજર કેદ કરવામાં આવ્યા હતા. પોલીસનો સ્ટાફ વાડી તાઇવાડામાં પહોંચી ગયો હતો અને એક પરિવારના સભ્યોને ઘરની બહાર નહીં નીકળવા સૂચના આપી નજર કેદ કર્યો હતો. આ વાત અન્ય પીડિત પરિવારને ખબર પડતા તેઓ પણ વાડી વિસ્તારમાં દોડી આવ્યા હતા. પોલીસની કાર્યવાહી સામે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો.