Gujarat

હર હર મહાદેવના નાદ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ

By GS TEAM
11 Feb 20262 mins read
હર હર મહાદેવના નાદ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ

વાહન પ્રવેશબંધીના લીધે પ્રથમ દિવસે લોકોની પાંખી સંખ્યા : અન્નક્ષેત્રો- ઉતારા ધમધમતા થયાં : સાધુ-સંતોએ ધૂણા પ્રજ્વલ્લિત કર્યા : મેળામાં પ્રથમવાર યોજાયેલી ડમરૂયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની

જૂનાગઢ,  : જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં આજે સવારે શુભમુહૂર્તમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે જ પાંચ દિવસના મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો હતો અને સમાંતરે અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થઈ ગયા હતા. સાધુઓએ ધૂણા પ્રજ્વલ્લિત કર્યા છે. હવે તા. 15 સુધી  સુધી મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાશે. આ વખતે વાહન પ્રવેશબંધીના લીધે આજે પ્રથમ દિવસે લોકોની પાંખી હાજરી રહી હતી. સાંજે ડમરૂયાત્રા યોજાઈ હતી, જે લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, જ્યારે રાત પડતા જ આશ્રમ અને ઉતારાઓમાં ભજન-સંતવાણીની રમઝટ જામી હતી.

આજે મહાવદ નોમના સવારે અધિકારીઓ, પદાધિકારીઓ ગિરનાર દરવાજાથી વાજતે ગાજતે  પગપાળા ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ધ્વજાજીની વિધિવિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. આ વખતે ભવનાથ મંદિર પર તૈયાર કરાયેલા પિત્તળના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભવનાથ મંદિર ઉપરાંત અખાડાઓ અને અન્ય મંદિરોમાં પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મેળો શરૂ થતાં જ અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજવા લાગ્યો હતો. બપોરે અનેક ભાવિકોએ અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લઈને જઠરાગ્નિ બુઝાવી હતી. સાધુ-સંતોના ધુણાની ધૂમ્રશેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો. આમ, મેળાનો પ્રારંભ થતા હવે તા. 15 ફેબુ્રઆરી સુધી મેળામાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થશે.

આ વખતે તંત્રવાહકોએ ગિરનાર દરવાજા અને ભરડાવાવથી રિક્ષા, બાઈક સહિતના વાહનને પ્રવેશબંધી હોવાથી મેળાના  પ્રથમ દિવસે લોકોની પાંખી હાજરી રહી હતી. આ વખતે મેળામાં વિશેષ સુશોભન કરી તેમજ સેલ્ફી પોઇન્ટ રાખવામાં આવ્યા છે. આજે સાંજે પ્રવાસનધામના ગેટથી પ્રથમવાર ડમરૂયાત્રા યોજાઈ હતી, જે દર્શનીય બની હતી. તંત્ર દ્વારા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે. કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે. આજે બસસ્ટેન્ડ ખાતે ખાસ મેળા માટેના એકસ્ટ્રા રૂટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાંથી ગિરનાર દરવાજા સુધી જવા માટેની મિનિ બસ તેમજ બહારગામના રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો પોલીસ વિભાગ દ્વારા પણ બંદોબસ્ત શરૂ થઈ ગયો હતો.