શહેરના કોટંબી સ્થિત બી.સી.એ.(બરોડા ક્રિકેટ એસોસિએશન) સ્ટેડિયમ ખાતે તા.૧૯ જાન્યુઆરીથી ડબલ્યુ.પી.એલ. (મહિલા પ્રીમિયર લીગ) ૨૦૨૬નો આરંભ થવા જઈ રહ્યો છે. બીસીએ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં તા. ફેબ્રુઆરી સુધીમાં કુલ ૧૧ મેચો રમાશે, જેમાં પ્લેઓફ અને ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે.
બીસીએ સ્ટેડિયમ ખાતે પહેલી મેચ તા. ૧૯ જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટને લઈ ટીમોનું વડોદરામાં આગમન શરૂ થઈ ગયું છે. આજે ગુજરાત જાયન્ટ્સની ટીમ વડોદરા પહોંચી હતી, જ્યારે આવતીકાલે તા. ૧૮ જાન્યુઆરીએ આર.સી.બી., મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વડોદરા આવી પહોંચશે. ત્યારબાદ તા. ૧૯ જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સહિતની અન્ય ટીમો પણ વડોદરા આવશે.
મળતી માહિતી મુજબ, આવતીકાલથી કોટંબી બીસીએ સ્ટેડિયમ ખાતે ટીમો નેટ પ્રેક્ટિસ શરૂ કરશે. ટીમોના રોકાણ માટે વડોદરાની અલગ અલગ હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન વડોદરામાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરના મહિલા ક્રિકેટનો રોમાંચ જોવા મળશે.


