Gujarat

પૂર્વ અમદાવાદની એન્ટ્રી અને હાર્દ સમાન નારોલ સર્કલથી નરોડા પાટીયા સુધીનો રોડ ૨૨૦ કરોડના ખર્ચે રીડેવલપ કરાશે

By GS TEAM
3 Mar 20262 mins read
પૂર્વ અમદાવાદની એન્ટ્રી અને હાર્દ સમાન  નારોલ સર્કલથી નરોડા પાટીયા સુધીનો રોડ ૨૨૦ કરોડના ખર્ચે રીડેવલપ કરાશે

અમદાવાદ,મંગળવાર,3 માર્ચ,2026

પૂર્વ અમદાવાદમાં નારોલ સર્કલ એ શહેરની એન્ટ્રી છે. ઉપરાંત પૂર્વ વિસ્તારોને શહેરના અન્ય વિસ્તારો સાથે સાંકળતો હાર્દસમાન વિસ્તાર છે. ૧૪ વર્ષ પછી નારોલ સર્કલથી નરોડા પાટીયા સુધીના ૧૬ કિલોમીટર લાંબા રસ્તાને રુપિયા ૨૨૦ કરોડના ખર્ચથી રીડેવલપ કરાશે. વર્ષ-૨૦૧૨માં આ રોડ બનાવાયો હતો.જે પછી હવે બંને તરફ અંડરગ્રાઉન્ડ યુટીલીટી સાથે આ રોડની કાયાપલટ કરવા નિર્ણય કરાયો છે.

અમદાવાદના સતત વધતા જતા વિકાસ અને વિસ્તારની સાથે પૂર્વ અમદાવાદમાં નારોલ સર્કલથી નરોડા પાટીયા સુધીનો રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રોડ બની ગયો છે.રોજબરોજ વહેલી સવારથી મોડી રાત સુધી આ રોડ ઉપર શહેર બહારથી  મોટી સંખ્યામા વાહનો  અમદાવાદમાં પ્રવેશતા હોય છે. આ પ્રકારે અમદાવાદમાંથી પણ મધ્ય ગુજરાતના મહેમદાવાદ, ખેડા,મહુધા,ડાકોર, નડિયાદ સહિતના શહેરમાં મોટી સંખ્યામા નોકરીયાત વર્ગના લોકો અવરજવર કરતા હોય છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ, ૬૦ મીટરની પહોળાઈ ધરાવતા આ રોડને રીડેવલપ કરવા અનેક બાબતને ધ્યાનમાં લેવામા આવી છે. વર્ષ-૨૦૧૨માં જે સમયે આ રોડ બનાવાયો હતો. એ સમય અને હાલના સમયમા ટ્રાફિકની માંગને ધ્યાનમા લઈને વાહન વ્યવહાર માટે બંને સાઈડે ૧૦.૫૦ મીટર પહોળાઈમા મુખ્ય કેરેજ વે તથા ૧૦.૫૦ મીટર પહોળાઈમા સર્વિસ રોડ ડેવલપ કરવામા આવશે.નાગરિકોને ચાલવા માટે રોડ સાઈડમાં બંને બાજુ ૨.૦ મીટરની ફુટપાથ બનાવાશે.નાગરિકોને બેસવા માટેના બેન્ચીસ ઉપરાંત મલ્ટી યુટીલીટી ઝોનમાં પ્લાન્ટેશન, સાઈનેજ, વૃક્ષો,લેન્ડ સ્કેપીંગ, પેડેસ્ટ્રીયન ક્રોસીંગ ઉપર રેફયુઝ આઈલેન્ડ, યુટીલીટી માટે અંડરગ્રાઉન્ડ  રોડ ક્રોસીંગ સહિતની કામગીરી કરવામા આવશે.