Get The App

કર્મચારીના પુત્રને કોરોના થયા બાદ પણ કોરેન્ટાઇન માટે રજા આપી ન હતી

કચેરીમાં પોઝિટિવ છતાં ઓફિસને કોરેન્ટાઇન ન કરાતાં સંક્રમણ વધવાની ભીતિ ઃ કર્મચારીઓમાં વિરોધનો વંટોળ

મ્યુનિ.ના સાતમા કર્મચારીને કોરોના ભરખી ગયો

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News

સુરતતા. 26 જુલાઈ, 2020, રવિવાર

કોરોના સામે જંગ લડી રહેલા સુરત મ્યુનિ.કર્મચારીઓ એક પછી એક સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. રવિવારે  વધુ એક કર્મચારીનો જીવ કોરોનાના કારણે ગયો  હતો. કર્મચારીના સગાં કે સાથીઓને કોરોના થયા બાદ કોરેન્ટાઇન માટે રજા અપાતી નહીં હોવાના આક્ષેપ સાથે કર્મચારી મંડળ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતાં  પ્રકાશ ખેરને કોરોના પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં રવિવારે તેમનું મોત થતાં મ્યુનિ.ના સાતમો કર્મચારી કોરોનાના ખપ્પરમાં હોમાયો છે. જ્યારે 150થી વધુ કર્મચારી કોરોનામાં સપડાયા છે. મ્યુનિ.ના કર્મચારી કે તેમના સગાંને કોરોના થાય તો કર્મચારીને કોરેન્ટાઇન કરવાના બદલે ફરજ પર ચાલુ રાખવામાં આવે છે. ત્યારે મ્યુનિ.તંત્ર કર્મચારીઓની કાળજી લેવામાં નિષ્ફળ સાબિત થયું હોવાનો આક્ષેપ કર્મચારી મંડળના યુનિયને કર્યો છે. હાલમાં જ વેક્સીન વિભાગમાં ફરજ બજાવતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરના પુત્રને કોરોના થતાં તેમણે કોરેન્ટાઇન થવા માટે રજા માંગી હતી પણ આપવામાં આવી ન હતી. અને હવે તેઓ પણ પોઝિટિવ આવ્યા છે. આમ રજા ન આપવાના કારણે ચેપ અનેક લોકોમાં ફેલાયો છે. આ ઉપરાંત ઉધના ઝોનમાં 6થી વધુ કર્મચારી કોરોના પોઝિટિવ હોવા છતાં પણ આકારણી અને ગુમાસ્તા વિભાગમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં છે, તેઓ ભેગા થતાં હોવાથી સંક્રમણ વધુ પ્રસરે તેવી ભીતિ છે. આમ મ્યુનિ. કર્મચારીઓ કોરોના સંક્રમણમાં જીવ ગુમાવી રહ્યાં છે અને સંક્રમણમાં સપડાઈ રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કર્મચારીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં નહીં આવી હોવાથી હવે સુવિધા ઉભી કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટે પણ કર્મચારી મંડળે ચીમકી આપી છે. 

Tags :