- કપડવંજ તાલુકાના ઠુચાલ ગામમાં
- અરજદારે તાલુકા સ્વાગતમાં અરજી કરી હતી : સંપૂર્ણ દબાણ નહીં હટાવાય ત્યાં સુધી કામગીરી ચાલું રહેશે
કપડવંજ : કપડવંજ તાલુકાના ઠુચાલ ગામે અંદાજે ૩૬ વિઘા સરકારી ગૌચર જમીનના છેડે દબાણ કરાનારા સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ એક તબેલો અને પાકું મકાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. તેમજ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગેરકાયદે દબાણ સંપૂર્ણ નહીં હટાવાય ત્યાં સુધી કામગીરી ચાલું રહેશે.
કપડવંજ તાલુકાના અરજદાર દ્વારા ઠુચાલ ગામમાં ગૌચરની જમીન દબાણ બાબતે તાલુકા સ્વાગતમાં અરજી કરવામાં આવતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે અરજદારે અગાઉ દ્વારા ડી એલ આર વિભાગમાં જમીન માપણી કરાવ્યા બાદ કુલ પાંચ સર્વ નં. ૨૧૫, ૨૧૬૨, ૨૧૭, ૨૧૮, ૨૨૮માં દબાણ કરતા ખેડૂતોને દબાણ દૂર નોટિસ ફટકારી હતી. જે બાદ દબાણ હટાવવા મામલતદાર, તાલુકા વિકાસ, અધિકારીની ટીમ પોલીસ કાફલા સાથે પ્રાથમિક તબક્કે ગૌચરની જમીન દબાણ કરેલી જમીનમાં જે સી બી મશીન દ્વારા માપણી મુજબ લાઈન ખોદકામ કરી તેને દબાણ થયેલી ગૌચર જમીનને અલગ પાડી છે. ગૌચરની જમીનોમાં ગેરકાયદેસર ખેતી એક તબેલો એક પાકું મકાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. તેમજ તમામ ગેરકાયદેસર દબાણ સંપૂર્ણ દૂર નહીં કરાય ત્યાં સુધી કામગીરી ચાલું રહેશે તેમ તાલુકા વિકાસ અધિકારી બિપીન પરમારે જણાવ્યું હતું.


