Get The App

ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે 1 - image


સક્કરબાગ ઝૂમાંથી ખાસ વાહન મારફત સિંહોને મોકલાયા

રિલાયન્સના અનંત અંબાણીનાં નેતૃત્વમાં ચાલતા વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો

જૂનાગઢ: ગીરના વધુ ર૦ સિંહોની ગુંજ હવે જામનગરના 'વનતારા'માં સાંભળવા મળશે. વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફત જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી ર૦ સિંહોને ત્યાં ઉછેર માટે મોકલવામાં આવ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના નેતૃત્વમાં ચલાવવામાં આવતું 'વનતારા' એ વિશ્વનું સૌથી મોટું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે, જે જામનગરમાં ચાલી રહ્યું છે. અગાઉ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી સિંહોને ત્યાં મોકલવામાં આવ્યા હતા. એ પછી હવે ફરી ભારત સરકાર દ્વારા સક્કરબાગ ઝૂમાંથી ર૦ સિંહોને વનતારામાં મોકલવા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને મંજૂરી આપતાં સિંહોને વનતારાનાં ખાસ વાહનો મારફત જૂનાગઢથી જામનગર ખસેડવામાં આવ્યા છે. સક્કરબાગમાંથી અગાઉ દીપડાઓને પણ વનતારામાં મોકલ્યા હતા.

આફ્રિકન અને એશિયાટિક મળી ૧૮૦થી વધુ સિંહ, 250 દીપડા, 150થી વધુ વાઘનો વનતારામાં સમાવેશ

૩ હજાર એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા વનતારામાં ર હજારથી વધુ પ્રજાતિના દોઢ લાખથી વધુ પશુ- પક્ષી- પ્રાણીઓનો સમાવેશ છે. તેમાં મુખ્યત્વે હાથી, દીપડા, વાઘ, સિંહ સહિતનાં પ્રાણીઓ છે. ૧૮૦થી વધુ આફ્રિકન, એશિયન અને હાઈબ્રીડ સિંહો વનતારામાં છે, જ્યારે રપ૦થી વધુ દીપડાઓ, ૧પ૦થી વધુ વાઘનો સમાવેશ થાય છે. અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે. ત્યાં એમઆઈઆર, સિટીસ્કેન, આઈસીયુ, હાઈડ્રો થેરાપી જેવી અતિઆધુનિક સુવિધાઓ છે. 

અર્થોપાર્જનના નહીં, વન્યજીવ સંરક્ષણના જ ઉદ્દેશ સાથે ભારતમાં બનેલું આવું કેન્દ્ર વિશ્વભરમાં બેજોડ

કેન્દ્રના અને રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા અનેક શરતો સાથે સક્કરબાગમાંથી સિંહોને વનતારામાં મોકલવામાં આવ્યા છે. જે સિંહો મોકલવામાં આવ્યા છે તેની માલિકી સરકારની રહેશે પરંતુ સિંહોનો ઉછેર વનતારામાં કરાશે. નોંધનીય છે કે રિલાયન્સ જેવા ઉદ્યોગગૃહ દ્વારા અર્થોેપાર્જનની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય એ તો સમજી શકાય પરંતુ અનંત અંબાણી સંચાલિત વનતારા માત્ર વન્યજીવ સંરક્ષણના અને એના થકી પર્યાવરણનાં સંવર્ધનના ઉદ્દેશ સાથે જ ચલાવવામાં આવે છે. નૈસર્ગિક વિહારથી માંડીને શ્રેષ્ઠ ભોજન અને સુશ્રુષાનાં પણ અત્યાધુનિક સાધન- સુવિધા સાથેનું આવું પુનર્વસન કેન્દ્ર વિશ્વભરમાં બેજોડ ગણાવાય છે.


Tags :