Get The App

નોડલ ઓફિસરને ફરજ સોંપાઈ, મ્યુનિ.બિલ્ડિંગમાં મચ્છરના બ્રિડીંગ મળશે તો કડક કાર્યવાહી કરવા નિર્ણય

ખાસ કયુઆર કોડ જાહેર કરાયો,શહેરની શાળાઓ સહિત અન્ય બિલ્ડિંગને આવરી લેવામાં આવશે

Updated: Jun 6th, 2023

GS TEAM


Google News
Google News

   નોડલ ઓફિસરને ફરજ સોંપાઈ, મ્યુનિ.બિલ્ડિંગમાં મચ્છરના બ્રિડીંગ મળશે તો  કડક કાર્યવાહી કરવા નિર્ણય 1 - image

    અમદાવાદ,મંગળવાર,6 જુન,2023

અમદાવાદ મ્યુનિ.હસ્તકના શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા અંદાજે ૩૫૦૦થી વધુ બિલ્ડિંગમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા હેલ્થ વિભાગે કવાયત શરુ કરી છે.મ્યુનિ.ના તમામ બિલ્ડિંગમાં નોડલ ઓફિસરને મચ્છરના બ્રિડીંગને લઈ ખાસ ફરજ સોંપવામાં આવી છે.એક ચેકલીસ્ટ ફોર્મ અધિકારીએ ભરવાનુ રહેશે.તંત્ર તરફથી ખાસ કયુઆર કોડ જાહેર કરાયો છે.જો મ્યુનિ.બિલ્ડિંગમાં મચ્છરના બ્રિડીંગ મળશે તો કડક કાર્યવાહી કરાશે.આવનારા સમયમાં શહેરની શાળાઓ સહિત અન્ય બિલ્ડિંગને પણ આ કાર્યવાહી હેઠળ આવરી લેવાશે.

શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ મચ્છરનો ઉપદ્રવ વધતો જોવા મળે છે.મચ્છરજન્ય રોગચાળાને ડામવા મ્યુનિ.તંત્રે પહેલ કરી છે.ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે,તમામ મ્યુનિ.બિલ્ડિંગ જેમાં અર્બન હેલ્થ સેન્ટર,હોસ્પિટલ,મુખ્ય કચેરી,ઝોન ઓફિસ તથા વોર્ડ ઓફિસની સાથે વોટર અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ખાતે મચ્છરના બ્રિડીંગને લઈ એક ચોકલીસ્ટ ફોર્મ તૈયાર કરવામાં આવ્યુ છે.આ ફોર્મમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા કરવામાં આવેલી કામગીરીની વિગત ભરીને નોડલ ઓફિસરે મોકલવાની રહેશે.

ચેકલીસ્ટ ફોર્મમાં જે તે વિસ્તારના પ્રિમાઈસીસનુ નામ,ઝોન તેમજ બિલ્ડિંગના ધાબા ઉપર,બેઝમેન્ટ કે અન્ય જગ્યાએ પાણી ભરાય છે કે કેમ, પક્ષી ચાટ,કુલર કે ઓવરહેડ અથવા અંડરગ્રાઉન્ડ ટાંકી વગેરે સ્થળે મચ્છરના પોરા જોવા મળ્યા છે કે કેમ ,મચ્છરના પોરા મળ્યા બાદ જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે કે કેમ જેવી તમામ વિગત અધિકારીએ તેમના નામ,હોદ્દા તથા મોબાઈલ નંબર સાથે મોકલી આપવાની રહેશે.મહીનામાં બે વખત કામગીરી કરવી પડશે.અધિકારી તરફથી આપવામાં આવેલી વિગતની હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી ખાત્રી કરાશે.મ્યુનિ.કમિશનર પણ રાઉન્ડ લેશે.આપવામાં આવેલા રીપોર્ટ બાદ પણ જે તે સ્થળે મચ્છરના પોરા કે મચ્છર મળશે તો અધિકારી સામે કડક કાર્યવાહી કરાશે.

શહેરની શાળા-કોલેજ,મોલ ,બાંધકામ સાઈટ સહિતના સ્થળ આવરી લેવાશે

પ્રથમ તબકકામાં મ્યુનિ.હસ્તકના ૩૫૦૦થી વધુ બિલ્ડિંગમાં દસ જુનની આસપાસ આ સિસ્ટમ અમલી બનાવાશે.બાદમાં શહેરના તમામ વિસ્તારમાં આવેલી શાળા,કોલેજો ઉપરાંત મોલ તથા બાંધકામ સાઈટ ઉપર પણ આ સિસ્ટમને અમલી બનાવાશે.

Tags :