જીંજર નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત
ટક્કર મારીને અજાણ્યો ચાલક વાહન લઈ ફરાર મહેમદાવાદ પોલીસ ગુનો નોંધીને તપાસ આદરી
મહારાષ્ટ્રમાં રહેતા દિપક સુગ્રીવ ચૌહાણ તા.૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પોતાની ટ્રકમાં ભિવંડીથી ડ્રમ ભરી મુન્દ્રા જવા નીકળ્યા હતો. ટ્રક લઈ તેઓ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે રાત્રિના દોઢ વાગ્યાના સુમારે જીંજર નજીક ટ્રકના ડ્રાઇવર સાઈડના પાછળના ટાયરમાં પંચર પડયું હતું. જેથી ટ્રક ઉભી રાખી તેઓ જોવા માટે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા કોઈ અજાણ્યો વાહન ચાલક તેમને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગંભીર ઈજા થતા દિપક ચૌહાણ (ઉં.વ.૩૦)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. આ બનાવની જાણ થતા મહેમદાવાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનું મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
આ બનાવ અંગે શિવમ સુગ્રીવ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


