Gujarat

ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું

By GS TEAM
6 Dec 20251 min read
ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું

જીંજર નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત

ટક્કર મારીને અજાણ્યો ચાલક વાહન લઈ ફરાર મહેમદાવાદ પોલીસ ગુનો નોંધીને તપાસ આદરી

નડિયાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જીંજર સીમ નજીક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ડ્રાઇવર જોવા માટે નીચે ઉતર્યોે હતો. તે દરમિયાન એક અજાણ્યા વાહને ટક્કર મારતા ટ્રક ચાલકનું ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રમાં રહેતા દિપક સુગ્રીવ ચૌહાણ તા.૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પોતાની ટ્રકમાં ભિવંડીથી ડ્રમ ભરી મુન્દ્રા જવા નીકળ્યા હતો. ટ્રક લઈ તેઓ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે રાત્રિના દોઢ વાગ્યાના સુમારે જીંજર નજીક ટ્રકના ડ્રાઇવર સાઈડના પાછળના ટાયરમાં પંચર પડયું હતું. જેથી ટ્રક ઉભી રાખી તેઓ જોવા માટે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા કોઈ અજાણ્યો વાહન ચાલક તેમને ટક્કર મારી નાસી ગયો હતો.  જેથી ગંભીર ઈજા થતા દિપક ચૌહાણ (ઉં.વ.૩૦)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. આ બનાવની જાણ થતા મહેમદાવાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનું મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. 

આ બનાવ અંગે શિવમ સુગ્રીવ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.