Get The App

અકસ્માત બાદ સારવાર ખર્ચ માટે પોલીસ પણ ધક્કે ચઢી: હેડ કોન્સ્ટેબલને ટક્કર મારનાર કાર ચાલકે ફેક્રચરનો ખર્ચ આપવાનું કહ્યા બાદ ફેરવી તોળ્યું

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
અકસ્માત બાદ સારવાર ખર્ચ માટે પોલીસ પણ ધક્કે ચઢી: હેડ કોન્સ્ટેબલને ટક્કર મારનાર કાર ચાલકે ફેક્રચરનો ખર્ચ આપવાનું કહ્યા બાદ ફેરવી તોળ્યું 1 - image




- મહિના પહેલા રાહુલરાજ મોલ પાસે હેડ કોન્સ્ટેબલ અને લોકરક્ષકને અડફડે લીધા હતાઃ ખર્ચ આપવા ઇન્કાર કરતા ફરીયાદ નોંધાવાઇ


- રોજબરોજના સામાન્ય અકસ્માતોમાં ઇજાગ્રસ્તને સારવાર ખર્ચ કે વાહન નુકશાનનો ખર્ચ આપવાની બાંહેધરી બાદ ઉલાળીયો કરી દેવાય છે

સુરત
સુરત શહેર ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને લોકરક્ષકને ટક્કર મારનાર કતારગામના કાર ચાલકે સારવારનો ખર્ચ આપવાનું હા કહ્યા બાદ એક મહિના પછી ઇન્કાર કરી દેતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. એક મહિના પહેલાના અકસ્માતમાં ગત રોજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર ટ્રાફિક શાખાના રીજીયન 4 ના હે. કો. જયરાજસિંહ ખુમાનસંગ સોલંકી (ઉ.વ. 43) અને લોકરક્ષક ગોવિંદ માધાભાઇ ચૌધરી (ઉ.વ. 25) ગત 4 નવેમ્બરે ડુમ્મસ રોડ વીઆર મોલ નજીક ટ્રાફિક જામનો કોલ એટેન્ડ કરી તેઓ બાઇક ઉપર પરત અઠવા ગેટ સ્થિત ટ્રાફિક ચોકી પર આવી રહ્યા હતા. ત્યારે રાહુલ રાજ મોલથી કારગીલ ચોક વચ્ચે પાર્થ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર નં. જીજે-5 આરએમ-8217 ના ચાલકે ટક્કર મારતા જયરાજસિંહને પગમાં ફ્રેક્ચર થયું હતું. જયારે ગોવિંદને સામાન્ય ઇજા થઇ હતી. લોકરક્ષક ગોવિંદે જે તે વખતે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરી કાર માલિક શૈલ છોટાલાલ શાહ (રહે. બી 304, અયોધ્યાપુરી, કહાન ફળીયું, કતારગામ) નો સંર્પક કર્યો હતો.

અકસ્માત બાદ સારવાર ખર્ચ માટે પોલીસ પણ ધક્કે ચઢી: હેડ કોન્સ્ટેબલને ટક્કર મારનાર કાર ચાલકે ફેક્રચરનો ખર્ચ આપવાનું કહ્યા બાદ ફેરવી તોળ્યું 2 - image

જે તે વખતે શૈલ શાહે હે. કો જયરાજસિંહની તબીબી ઇલાજનો ખર્ચ આપવાનું કહ્યું હતું. પરંતુ હાલમાં તેણે ઇન્કાર કરી દેતા કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં રોજબરોજ થતા અકસ્માતોમાં અકસ્માત કરનાર ચાલક તબીબી સારવારનો ખર્ચ આપવાનો કહે છે અને ત્યાર બાદ ઇન્કાર પણ કરી છે. પરંતુ આવા કિસ્સાનો ખુદ શહેર પોલીસના જવાનો ભોગ બન્યા છે અને ફરીયાદ નોંધાવવાની નોબત આવી છે.