કમાટીબાગની જોય ટ્રેનના ડ્રાઇવર પાસે લાયસન્સ જ નથી
જોય ટ્રેન ચલાવવા માટે લાયસન્સની જરૃર નહીં હોવાનું કોર્પોરેશન જણાવે છે : પોલીસ
વડોદરા,જંબુસરનો પરિવાર વડોદરાના કમાટીબાગ ખાતે વેકેશનમાં ફરવા આવ્યો હતો. તે દરમિયાન પાટા પર દોડતી જોય ટ્રેનની નીચે ૪ વર્ષની બાળકી કચડાઇ જતા મોત થયું હતું. જોય ટ્રેન ચલાવનાર ડ્રાઇવર પાસે લાયસન્સ જ નહીં હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
કમાટીબાગમાં દોડતી જોય ટ્રેને આજે ૪ વર્ષની બાળકીનો જીવ લીધોહતો. મળતી માહિતી મુજબ, જંબુસરના સોગંદવાડીમાં રહેતા પઠાણ પરિવારના ૭ સભ્યો વેકેશન હોઇ ફરવા માટે આજે સવારે જંબુસરથી કમાટીબાગ આવ્યા હતા. તેઓ સાંજ ે પાંચ વાગ્યે પરત જંબુસર જવા માટે નીકળ્યા હતા. કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે પરિવારની ૪ વર્ષની બાળકી ખાતીજા પરવેઝભાઇ પઠાણ જોય ટ્રેનની અડફેટે આવી જતા ચગદાઇ જતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું.
આ અંગે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે જોય ટ્રેનના ડ્રાઇવર અશ્વિન ચંદુભાઇ ડામોર, ઉ.વ.૨૫ (રહે. ગોધરા) સહિત ૧૮ લોકોની પૂછપરછ હાથ ધરી નિવેદનો લીધા હતા. પોલીસનું કહેવું છે કે, હજીસુધી કોઇ ગુનાઇત ઘટના બની હોવાના પુરાવા મળ્યા નથી. ડ્રાઇવર પાસે લાયસન્સ નહીં હોવાનું જાણવા મળતા પોલીસે કોર્પોરેશનના સ્ટાફને પૂછતા સ્ટાફે જણાવ્યું હતું કે, આ ટ્રેન ચલાવવા માટે લાયસન્સની જરૃર નથી. કારણકે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવે છે. પરંતુ, પોલીસે આ અંગે આર.ટી.ઓ. કચેરીનો સંપર્ક કરી ખરેખર જોય ટ્રેન ચલાવવા માટે લાયસન્સની જરૃર છે કે કેમ ? તેની માહિતી મેળવશે.