શ્રમિક દંપતીના પુત્રનું યુરોપનું સપનું ચકનાચૂરઃ રૂા. 12 લાખની છેતરપિંડી
આદિત્યાણાના માતા - પુત્ર, ખાપટના યુવાન સામે ઠગાઈની ફરિયાદ : 50 તોલા સોનાના દાગીના ગીરવે મૂકી માસીએ પૈસાની વ્યવસ્થા કરી'તીઃ 1 વર્ષ નોકરી વિના દુબઈમાં રાખ્યો, અંતે યુવક પરત
પોરબંદર, : પોરબંદરથી વિદેશ જવાના બહાને છેતરપિંડીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં બોખીરાના યુવાનને યુરોપ જવાની લાલચ આપીને આદિત્યાણા રહેતા માતા પુત્ર તથા ખાપટ રહેતા શખ્સે રૂા. 12 લાખની છેતરપિંડી કરી વિદેશ નહીં મોકલીને વિશ્વાસઘાત કરતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
બોખીરાથી કુછડી તરફ જતા રસ્તે યુનિક રિસોર્ટમાં રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતા અને કૃષ્ણનગરમાં રહેતા રામ ભીમાભાઈ ગોરાણિયાને યુરોપ જવું હોવાથી તેના માસી રાંભીબેન ખીમાભાઈ ખુંટીના જાણીતા આદિત્યાણાના જેઠીબેન કારાવદરાના દીકરા રાજુ કારાવદરા મારફત પ્રથમ દુબઈ અને બાદમાં યુરોપ જવાનું નક્કી કર્યું હતું.
આ માટે તેના માસી રાંભીબેને 50 તોલા સોનું ગિરવે મૂકી રૂા. 12 લાખની લોન લઈ આરોપીના પાર્ટનર રાજવીર ઓડેદરા (રહે. ખાપટ)ને આપ્યા હતાં. બાદમાં રામને દુબઈ મોકલાયો પરંતુ ત્યાં એક વર્ષ સુધી હેરાન થયા પછી પણ યુરોપ ન મોકલાયો અને અંતે આ યુવાને પોરબંદર પરત ફરી છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી છે. અન્ય ત્રણ યુવાનો જયમલ, વિજય અને હાથીયા વગેરે પણ છેતરપિંડીનો ભોગ બન્યાનું તેના ધ્યાન પર આવ્યું હતું પરંતુ અંદરોઅંદર સગા સંબંધી હોવાથી શરમના કારણે તેઓએ ફરિયાદ કરી નથી.
50 તોલા દાગીના ગીરવે મૂકનાર માસીના ફોન ઉપાડવાનું બંધ
ફરિયાદી રામના માસી રાંભીબેનના 50 તોલા સોનાના દાગીના બેંકમાં મૂક્યા હોવાથી તેઓ પણ રાજુ તથા જેઠીબેનને ફોન કરતાં હતાં પણ તેઓએ ફ ોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. લોન ભરપાઈ ન થતાં દાગીના બેંકમાં જમા થઈ જાય તેમ હોવાથી ફરિયાદીના માંસા રામદેભાઈ દેવાભાઈ ગોરાણિયાએ વ્યાજ સહિત 13 લાખ 26,000 જેવી માતબર રકમ ભરીને માસીના દાગીના છોડાવ્યા હતાં.