ડોક્ટરના સગા નાના ભાઈએ જ રૂ.4.95 કરોડની ઉચાપત કરી
હજીરા રોડ રહેતા મૂળ ભાવનગરના ડો.અનિલભાઈ ઈટાલીયાએ વરાછા અને મોટા વરાછાની બે હોસ્પિટલની તમામ જવાબદારી નાના ભાઈ યોગેશને સોંપી હતી
યોગેશે વ્યવસાયના વિસ્તરણ, ટેક્ષ પ્લાનીંગના બહાને ભાગીદારી પેઢીઓ ઉભી કરી હોસ્પિટલની આવકમાંથી મિલ્કતો ખરીદી હતી : ડોકટરના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પત્ની મોનિકાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા
- હજીરા રોડ રહેતા મૂળ ભાવનગરના ડો.અનિલભાઈ ઈટાલીયાએ વરાછા અને મોટા વરાછાની બે હોસ્પિટલની તમામ જવાબદારી નાના ભાઈ યોગેશને સોંપી હતી
- યોગેશે વ્યવસાયના વિસ્તરણ, ટેક્ષ પ્લાનીંગના બહાને ભાગીદારી પેઢીઓ ઉભી કરી હોસ્પિટલની આવકમાંથી મિલ્કતો ખરીદી હતી : ડોકટરના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પત્ની મોનિકાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા
સુરત, : સુરતના પાલ હજીરા રોડ ખાતે રહેતા મૂળ ભાવનગરના ડોક્ટરે તેમની વરાછા અને મોટા વરાછાની બે હોસ્પિટલના સંચાલનની તમામ જવાબદારી જેને સોંપી હતી કે સગાભાઈએ જ વ્યવસાયના વિસ્તરણ, ટેક્ષ પ્લાનીંગના બહાને ભાગીદારી પેઢીઓ ઉભી કરી હોસ્પિટલની આવકમાંથી મિલ્કતો ખરીદી હતી.ઉપરાંત તેણે ડોકટરના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પત્ની મોનિકાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કુલ રૂ.4.95 કરોડની ઉચાપત કરતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ ઈકો સેલને સોંપતા ઈકો સેલે ડોકટરના સગા ભાઈની ધરપકડ કરી છે.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર તળાજા પાંચપીપળા ગામના વતની અને સુરતમાં પાલ હજીરા રોડ આરટીઓની સામે શ્રીપદ પાર્ક એરેના ફ્લેટ નં.એફ/1001 માં રહેતા ડો.અનિલભાઈ રાજાભાઈ ઈટાલીયા પત્ની વનીતાબેન સાથે વરાછા હીરાબાગ જય ગંગેશ્વર સોસાયટી શાયોના બિલ્ડીંગમાં ઈટાલીયા હોસ્પિટલ તેમજ મોટા વરાછા પ્લેટિનિયમ પોઈન્ટ ખાતે ઈટાલીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ધરાવે છે.ડો.અનિલભાઈએ બંને હોસ્પિટલના સંચાલનની તમામ જવાબદારી તેમના નાના ભાઈ યોગેશને સોંપી હતી.પોતાના વ્યવસાયમાં સતત કામમાં વ્યસ્ત રહેતા ડો.અનિલભાઈને તેના ઉપર સંપૂર્ણ ભરોસો હતો.જોકે, યોગેશે તેનો ગેરલાભ ઉઠાવી સગા ભાઈને જ ચૂનો ચોપડવાનું શરૂ કર્યું હતું.
હાલ ડો.અનિલભાઈની બાજુમાં જ ફ્લેટ નં.એફ/1002 માં રહેતા યોગેશભાઈએ વ્યવસાયના વિસ્તરણ, ટેક્ષ પ્લાનીંગના બહાને ભાગીદારી પેઢીઓ ઉભી કરી હોસ્પિટલની આવકમાંથી મિલ્કતો ખરીદી હતી.તેણે ડો.અનિલભાઈના પૈસાથી ઈટાલીયા જીમ અને યોગા સેન્ટર શરૂ કરી પોતાના માણસને પ્રોપ્રાયટર તરીકે રાખ્યા હતા.ઉપરાંત તેણે ડોકટરના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પત્ની મોનિકાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.આ રીતે તેણે કુલ રૂ.4,94,52,760 ની ઉચાપત કરતા ડો.અનિલભાઈએ તેના વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી.અરજીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આજે સવારે યોગેશ ઈટાલીયા વિરુદ્ધ ઉચાપતનો ગુનો નોંધી તપાસ ઈકો સેલને સોંપતા ઈકો સેલે બાદમાં યોગેશની ધરપકડ કરી હતી.વધુ તપાસ પીએસઆઈ વાય.જે.ગિરનાર કરી રહ્યા છે.
માતાપિતાના લાડકો યોગેશ શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ, ક્રિકેટ સટ્ટો રમતો હોય તેમજ દારૂની આદત હોય સુધારવા તેન જવાબદારી સોંપી હતી
સુરત, : ઈકો સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે યોગેશ માતાપિતાનો ઘણો લાડકો હોય પહેલેથી જે તેનો સ્વભાવ બેજવાબદારી ભર્યો હતો.અભ્યાસમાં પણ ધ્યાન આપતો ન હોય તેણે ધો.10 બાદ આઈટીઆઈનો કોર્સ કર્યો હતો.જોકે, તે પછી પણ તે કોઈ નોકરી કે કામધંધો કરતો નહોતો.વર્ષ 2005 થી 2010 દરમિયાન તે શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ, ક્રિકેટ સટ્ટો રમતો હતો.તેની સાથે દારૂની પણ આદત તેને હતી.નશામાં અકસ્માત પણ કરનાર યોગેશે ઊંચા વ્યાજે રૂ.7 લાખ લઈ ડબ્બા ટ્રેડીંગ અને ક્રિકેટ સટ્ટામાં ગુમાવતા તેમના ભાઈઓએ તે દેવું ચૂકતે કર્યું હતું.તેની દારૂની લત છોડાવવા પણ પ્રયાસ કરાયા હતા.તેનું ધ્યાન કામમાં રહે તો બીજા ગોરખધંધા નહીં કરે તે માટે તેને ભાગીદારીમાં ધંધો પણ શરૂ કરી આપ્યો હતો,પણ ત્યાં તે દારૂ પીતો હોય ભાગીદારી છૂટી થઈ હતી.આથી છેવટે તેને ડો.અનિલભાઈએ પોતાની હોસ્પિટલની જવાબદારી સોંપી હતી.તેમાં તે શરૂઆતમાં બરાબર કામ કરતો હતો.પણ કોરોનમાં પિતાના અવસાન બાદ સસરાની દરમિયાનગીરી વધતા યોગેશ અને તેની પત્ની મોનીકા સંપૂર્ણ બદલાઈ ગયા હતા.