દિવાળી પર્વ દરમિયાન અમદાવાદમાં આગ લાગવાના સરેરાશ રોજના ૫૦ કોલ, એક વ્યકિતનું મોત

અમદાવાદ,શનિવાર,25 ઓકટોબર,2025
દિવાળી પર્વ દરમિયાન અમદાવાદમા સરેરાશ આગ લાગવાના રોજના ૫૦
કોલ નોંધાયા હતા.આગમાં ફસાઈ જવાથી એક વ્યકિતનું મોત થયુ હતુ.અલગ અલગ કારણથી મકાનમા
આગ લાગવાના ૪૦ તથા ફેકટરીમા આગ લાગવાના ૧૨ કોલ ફાયર વિભાગને મળ્યા હતા.મોટી
દુર્ઘટના વગર તહેવાર સંપન્ન થતા તંત્રે હાંશકારો અનુભવ્યો હતો.
દિવાળીના તહેવારોને ધ્યાનમા રાખીને અમદાવાદ ફાયર વિભાગના
સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામા આવ્યો હતો.તમામની રજા રદ કરવામા આવી હતી.૧૮ ઓકટોબરથી
૨૩ ઓકટોબરની રાત સુધીમા ફાયર વિભાગને કુલ મળીને ૨૫૪ કોલ મળ્યા હતા. દિવાળી પર્વની
રાતે ફાયર કંટ્રોલરુમના ફોન સતત રણકતા રહયા હતા.ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી
વિગત મુજબ, શહેરના
વિવિધ વિસ્તારમાં જે પ્રમાણે ફટાકડા ફોડવામા આવતા હતા તેના કારણે કચરામા આગ
લાગવાના સૌથી વધુ ૧૩૦ કોલ મળ્યા હતા.અલગ અલગ વિસ્તારમા આવેલા મકાનોમાં આગ લાગવાના ૪૦ તથા દુકાનોમા આગ લાગવાના ૧૯ બનાવ
તહેવાર દરમિયાન બન્યા હતા.ફટાકડા પડવાથી વાહનોમા આગ લાગવાના ૧૩ બનાવ નોંધાયા હતા.
અલગ અલગ વિસ્તારમા આવેલી ફેકટરીઓમા આગ લાગવાની કુલ બાર ઘટના બની હતી.આ પૈકી રિધ્ધિ
સ્ટીલમા લાગેલી આગમા બે વ્યકિત દાઝી ગઈ હતી. આ પૈકી એક વ્યકિતને એલ.જી.હોસ્પિટલમા
આઉટડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી.જયારે અન્ય એક વ્યકિતને હોસ્પિટલ પહોંચાડાયો
તે સમયે તે મૃત હાલતમાં હતો.તહેવાર દરમિયાન ગોડાઉનમા આગ લાગવાના ચાર બનાવ નોંધાયા
હતા.જયારે વૃક્ષમા આગ લાગવાના ૧૭ બનાવ,
બેન્ક, લાકડાના
પીઠા, હોટલ
તેમજ બેકરી,મીટર,ઈલેકટ્રિક
ડી.પી.તથા ઝૂંપડીમા આગ લાગવાની ઘટના બની હતી.
ફટાકડાથી દાઝી જતા ૪૦થી વધુ દર્દીઓને સારવાર અપાઈ
દિવાળી પર્વને ધ્યાનમા રાખીને અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ફટાકડાથી દાઝી ગયેલ વ્યકિતઓને સારવાર આપવા
વ્યવસ્થા કરવામા આવી હતી.એલ.જી.હોસ્પિટલના બર્ન્સ વિભાગમા ૨૦થી વધુ લોકોને સારવાર
અપાઈ હતી.હોસ્પિટલના ઈન્ડોર વિભાગમા ત્રણથી વધુ દર્દી નોંધાયા
હતા.એસ.વી.પી.હોસ્પિટલમા એક પણ દર્દી નોંધાયો નહી હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.નગરી હોસ્પિટલ ખાતે ૧૫થી વધુ દર્દીઓને ઓ.પી.ડી.મા સારવાર અપાઈ
હતી.બે દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર
અપાઈ હતી.વી.એસ.હોસ્પિટલમાં પાંચથી વધુ લોકોને સારવાર આપવામા આવી હતી.








