Gujarat

વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્તો ધોવાયો, 10 થી વધુ ગામનો સંપર્ક તૂટયો

By GS TEAM
6 Jul 20252 mins read
વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા ડાયવર્ઝન રસ્તો ધોવાયો, 10 થી વધુ ગામનો સંપર્ક તૂટયો

- વઢવાણ તેમજ ચુડા તાલુકામાં ભારે વરસાદને પગલે

- વરસાદે વિરામ લીધાને 48 કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા વિદ્યાર્થીઓ, ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

સુરેન્દ્રનગર : વઢવાણ તેમજ ચુડા તાલુકા અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતા કાચા ડાયવર્ઝન રસ્તા પર સતત બીજી વખત પાણી ફરી વળતા ગ્રામજનો સહિત વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

શુક્રવારે ચુડા તેમજ વઢવાણ તાલુકામાં અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ફરી ડાયવર્ઝનના રસ્તા પર પાણી ફરી વળતા વસ્તડી સહિત અંદાજે ૧૦ થી વધુ ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત સામાકાંઠે શાળા આવેલ હોય વિદ્યાર્થીઓ સહિત વાલીઓને પણ મુશ્કેલી પડતા તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ પણ જઈ શકતા નથી. વરસાદે વિરામ લીધાને ૪૮ કલાક જેટલો સમય વિતિ ગયો હોવા છતાં ડાયવર્ઝનના રસ્તા પરથી પાણી ઓસર્યા નથી જેના કારણે લોકોને ફરીને જવાની નોબત આવી છે. ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા અગાઉ પણ અનેક વખત જવાબદાર તંત્રને ડાયવર્ઝનનો રસ્તો પાકો અને મજબુત બનાવવા તેમજ રીપેરીંગ અંગે રજુઆતો કરી હતી છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથ 

ઉલ્લેખનીય છે કે ચુડા, રાણપુર, બોટાદ સહિતના ગામોને જોડતા વસ્તડી ગામનો મુખ્ય પુલ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવ્યો નથી અને વૈકલ્પિક ધોરણે નદીમાં કાચો ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો છે જે દર ચોમાસામાં ધોવાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક નવો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.